<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

કચ્છમાં “કાંબરીયા દેવીપૂજક” સમાજનું પ્રથમવાર સંમેલન યોજાયું

સામાજિક પરિવર્તનના અનેક નિર્ણયો સાથે “એકતા થી સમાનતા”નો સંકલ્પ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ :  કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) અને કાંબરીયા દેવીપૂજક સમિતિ – ભુજ ના સંયુક્ત ઉપક્રમે “એકતા થી સમાનતા” શીર્ષક હેઠળ સમગ્ર કચ્છ ના કાબરીયા દેવીપૂજક  સમુદાયનું વિશાળ સંમેલન ભુજના હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના ૯ તાલુકા અને ૨૩ ગામોમાંથી ૫૦૦થી વધુ પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સંમેલન દ્વારા પ્રથમ વખત કાંબરીયા દેવીપૂજક સમાજના સભ્યો આટલી મોટી સંખ્યામાં એક મંચ પર એકત્રિત થઇ ને સામાજિક બદલાવની પહેલ કરી હતી. આ સંમેલનનો મુખ્ય હેતુ સમુદાયની વર્તમાન સ્થિતિ અંગે સહિયારી સમજ વિકસાવવાનો, સમાજમાં એકતા મજબૂત બનાવવાનો તેમજ સ્ત્રીઓ દીકરીઓ ની સ્વતંત્રતા અને સામાજિક ભાગીદારીને મર્યાદિત કરતા કેટલાક જૂના રિવાજોમાં પરિવર્તન લાવી વધુ સમાન અને ન્યાયી સમાજના નિર્માણ તરફ આગળ વધવાનો હતો.

 કાર્યક્રમની શરૂઆત પરંપરાગત કચ્છ ના અલગ અલગ ગામો થી આવેલા આગેવાન ભાઈઓ અને બહેનો દ્વારા જ્યોત પ્રગટાવી  કરવામાં આવી હતી, જે અજ્ઞાનતાના અંધકારને દૂર કરી પ્રગતિશીલ વિચારોના પ્રારંભનું પ્રતીક બની હતી. કાર્યક્રમ દરમિયાન ભુજ દેવી પૂજક સમાજ ના લોકો દ્વારા નાટક, કવિતાઓ અને ગીતો જેવા સર્જનાત્મક માધ્યમો દ્વારા  દ્વારા એકતા અને સમાનતાનો સંદેશ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બે વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન હતા. જેમાં પ્રથમ ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા કાંબરીયા દેવીપૂજક સમુદાયનો ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી ટૂંકી ફિલ્મમાં સમગ્ર કચ્છમાં હાથ ધરાયેલા એક વર્ષ લાંબા સામુદાયિક સર્વેક્ષણની પ્રક્રિયા અને તેના તારણો રજૂ કરવામાં આવ્યા હતા.

 આ પ્રસંગે સમુદાય માટે તૈયાર કરાયેલા નવા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં સમુદાયનો ઇતિહાસ, પરંપરાગત વિધિઓ અને રિવાજો, કુટુંબવાર માહિતી તેમજ સમિતિના સભ્યોના વિચારો અને ભવિષ્યની દિશા અંગેની નોંધોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મો અને પુસ્તક દ્વારા પ્રાપ્ત થયેલી સમજણથી પ્રેરાઈ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સહભાગીઓ દ્વારા સામૂહિક શપથ ગ્રહણ કરવામાં આવ્યું હતું. આ શપથ દરમિયાન દરેક બાળકને શિક્ષણ આપવાનું મહત્વ, બાળલગ્નની પ્રથાને બંધ કરવાનો સંકલ્પ, સમાજના વિકાસ માટે સ્થાનિક સમિતિઓની રચના, વ્યસનમુક્તિ માટે પ્રયાસો તેમજ મહિલાઓની સ્વતંત્રતા અને સામાજિક ભાગીદારીમાં અવરોધરૂપ જૂની પરંપરાઓમાં પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તથા  સમાજના  દીકરા -દીકરીઓ અભ્યાસક્રમ આગળ ભણી રહ્યા છે તથા સમાજની માહિતી એકત્રીકરણ ના સર્વે માં સહયોગી થનાર લોકો સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

 કાર્યક્રમ સહભાગીઓના ઉત્સાહભર્યા પ્રતિસાદ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. કાંબરીયા દેવીપૂજક સમિતિ ભુજના પ્રેમજીભાઈ, શાંતાબેન, નરેશભાઈ, અમૃતબેન અને અનિલભાઈ અને કચ્છ મહિલા વિકાસ સંગઠન ટીમ  દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(9:31 AM IST)