News of Tuesday, 17th March 2026
ચોથે દિ' ઝાકળવર્ષાઃ માવઠાની આગાહી વચ્ચે ઠંડીનો ચમકારો
વહેલી સવારે શિયાળા જેવુ વાતાવરણ છવાઇ જતા ગરમ વસ્ત્રો ફરી પહેરવા પડયાઃ સુર્યનારાયણના દર્શન થતા જ હુંફાળુ વાતાવરણઃ બપોરે ઉકળાટ

આટકોટ પંથકમાં ઝાકળવર્ષાઃ આટકોટઃ બીજાં દીવસે વાતાવરણમાં પલ્ટો આવ્યો અડધા વિસ્તારમાં જોરદાર ઝાકળ છવાઇ હતી વાહનચાલકોએ વાહન લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું. આટકોટ જંગવડ પાંચવડા ગુંદાળા સહિત વિસ્તારમાં ઝાકળ છવાઇ ગઇ હતી. કુદરતનો અનોખો નજારો જોવા મળ્યો હતો.(તસ્વીર- અહેવાલઃ કરશન બામટા આટકોટ)
રાજકોટ તા.૧૭: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર- કચ્છમાં ઉનાળાની અસર વધવા લાગી છે. આવા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા થતા શિયાળા જેવુ વાતાવરણ છવાઇ ગયુ હતુ અને લોકોને ગરમ વસ્ત્રો ફરી પહેરવાની નોબત આવી હતી. કાલે બુધવારથી માવઠાની આગાહી વચ્ચે આવુ વાતાવરણ સર્જાયુ છે. આજે સવારના જોરદાર ઝાકળવર્ષા થતા વાહનવ્યવહારને ભારે અસર પડી હતી અને હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી. જો કે સવારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને બપોરના સમયે ધોમધખતા તાપ સાથે આકરા ઉનાળાનો અનુભવ થાય છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂત મિત્રો જોગ સાવચેતીનો સંદેશ. પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની માર્ગદર્શિકા.
તા. ૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા. ખેત પેદાશોને સલામત સ્થળે ખસેડવા અને તાડપત્રીથી ઢાંકવા ખેતીવાડી વિભાગની સૂચના.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી તા. ૧૮/૦૩/૨૦૨૬ થી તા. ૨૧/૦૩/૨૦૨૬ દરમિયાન મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શકયતા છે. આ સંભવિત માવઠાને કારણે ખેતી પાકોમાં નુકસાન ન થાય તે હેતુથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો, વેપારીઓ અને એ.પી.એમ.સી.ને અગમચેતીના પગલાં લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૨, મહતમ તાપમાન ૩૩.૫, ભેજનું પ્રમાણ ૮૦%, પવનની ગતિ ૫.૫ કિ.મી. રહી છે
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
