News of Tuesday, 17th March 2026
ગોંડલ એ-ડિવિઝન પોલીસ મથકમાં પત્રકારો સાથે વહાલા-દવલાની નીતિ
ક્રાઇમના સમાચારોની વિગતોના જવાબ આપવામાં ઠાગાઠૈયા પોલીસની નબળાઇ છતી કરનાર પત્રકારોને ટાર્ગેટ કરાતા હોવાની ઉઠેલ ફરીયાદો

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ, તા.૧૭: ગોંડલ શહેરનું A ડિવિઝન પોલીસ સ્ટેશન હાલ તેની કામગીરીને લઈને નહીં, પરંતુ પત્રકારા પ્રત્યેના ભેદભાવભર્યા વલણને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોલીસ તંત્રમાં અમુક કર્મચારીઓ દ્વારા અપનાવવામાં આવતી ‘વહાલા-દવલા'ની નીતિ હવે જગજાહેર થઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
થોડા દિવસો પહેલા ગોંડલના સ્થાનિક વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયાના બે દિવસ બાદ જ સફાળી જાગેલી A ડિવિઝન પોલીસે દરોડો પાડી દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કામગીરીને ઉજાગર કરી અહેવાલો પણ પ્રસિધ્ધ થયા હતા આ સાથે વિવાદનો મધપૂડો પણ શરૂ થયો હતો શહેરમાં વેચાતાં દેશી દારૂનાં વિડિયો પત્રકારોએ સોશિયલ મીડિયા કે ન્યૂઝ ચેનલોમાં પ્રસિદ્ધ કર્યો હતો, તેમને જાણીજોઈને પકડાયેલા મુદ્દામાલના ફોટા કે વીડિયો આપવામાં આવ્યા નહોતા. પોલીસના અમુક કર્મચારીઓ જાણે પત્રકારો સામે વાયરલ વીડિયોનો ‘ખાર' રાખી રહ્યા હોય તેમ, માહિતી પૂરી પાડવામાં ભેદભાવ રાખી રહ્યા છે. પોલીસ તંત્ર પોતાની નબળાઈ છતી કરનાર પત્રકારોને ટાર્ગેટ કરી રહયા હોવાની પત્રકારોમાં ફરીયાદ ઉઠી છે. ઉપરાંત થોડા દિવસો પહેલા બનેલી મારામારીની એક ઘટનામાં CCTV ફૂટેજ મેળવવા ગયેલા ગોંડલના યુવા પત્રકારોને પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ‘‘જોઈ લેવાની'' ગર્ભિત ધમકી આપવામાં આવી હોવાની પણ પત્રકારોમાં બોલાઈ રહ્યું છે રાજકોટ રેન્જ IG દ્વારા કડક સૂચનાઓ મળ્યા બાદ કામનું ભારણ વધતા, કેટલાક પોલીસ કર્મચારીઓ પત્રકારો પર રૌફ જમાવી રહ્યા છે. કર્મચારીઓની આ ઉદ્ધત વર્તણૂક અને પક્ષપાતી નીતિને કારણે હવે ઉચ્ચ અધિકારીઓને ઉપર જવાબ દેવો પણ અઘરો પડી રહ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અને ઉચ્ચ અધિકારીઓ ગોંડલ A ડિવિઝનના આ ‘વહાલા-દવલા'ની નીતિ રાખતા કર્મચારીઓ સામે કોઈ પગલાં ભરશે કે પછી પત્રકારો સામેનો આ મનસ્વી વલણ ચાલુ જ રહેશે ? તેવો પ્રશ્ન પત્રકારોમાં પૂછાઇ રહયો છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
