News of Tuesday, 17th March 2026
મોરબીના સિરામિક ઉદ્યોગમાં ૧૫ એપ્રિલ સુધી વેકેશન જાહેર થતા શ્રમિકોની હિજરત : રેલવે સ્ટેશનો પર વતન જવા માંગતા હજારો મજદૂરોની ભારે ભીડ : જુઓ વિડીયો
વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને ગેસની અછતને પગલે એસોસિએશને લીધો શટડાઉનનો નિર્ણય : ઉદ્યોગપતિઓએ શ્રમિકોને છુટ્ટા ન કર્યા હોવાની અને મેઇન્ટેનન્સ કામમાં જોડ્યા હોવાની કરી સ્પષ્ટતા

જયેશ ભટાસાણા દ્વારા, ટંકારા: વિશ્વભરમાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે જાણીતા મોરબીના ઉદ્યોગ જગતે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને સંસાધનોની અછતને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. મોરબીના સિરામિક એકમોમાં આગામી ૧૫ એપ્રિલ સુધી સ્વૈચ્છિક વેકેશન એટલે કે શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન જેવી વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે અને કુદરતી ગેસના પુરવઠામાં મોટા પાયે ઘટાડો થયો છે. ગેસની અછતને કારણે ઉત્પાદન ખર્ચમાં થયેલા અસહ્ય વધારાને પહોંચી વળવા માટે આ વેકેશન અનિવાર્ય બન્યું છે.
રેલવે સ્ટેશન પર ટિકિટ માટે મથામણ અને અફરાતફરી:
સિરામિક ઉદ્યોગમાં શટડાઉનની જાહેરાત થતાની સાથે જ મોરબીમાં કાર્યરત હજારો પરપ્રાંતીય શ્રમિકોમાં ચિંતા અને ફાળ પડી છે. કારખાનાઓ બંધ થવાના ડરે મોટી સંખ્યામાં માઇગ્રેટ મજદૂરો પોતાના માદરે વતન ભણી રવાના થઈ રહ્યા છે. મોરબી રેલવે સ્ટેશન પર હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે, જ્યાં શ્રમિકો ટ્રેનની ટિકિટ મેળવવા માટે ભારે મથામણ કરી રહ્યા છે. શ્રમિકોના આ પલાયન પાછળ લાંબા વેકેશન દરમિયાન રોજગારી છીનવાઈ જવાની ભીતિ મુખ્ય કારણ હોવાનું મનાય છે.
એસોસિએશનની સ્પષ્ટતા: રોજગારી સુરક્ષિત છે
શ્રમિકોના પલાયન અને સ્ટેશન પરની ભીડ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોએ કોઈ પણ શ્રમિકને કામ પરથી છુટ્ટા કર્યા નથી. આ વેકેશન દરમિયાન પ્લાન્ટના મેઇન્ટેનન્સ અને જાળવણીના કામો ચાલુ રાખવામાં આવ્યા છે, જેમાં શ્રમિકોને જોતરી દેવાયા છે જેથી તેમની આજીવિકા જળવાઈ રહે. તેમણે ઉમેર્યું હતું કે, મોરબી જેવા વિશાળ ઉદ્યોગમાં દરરોજ ૨૦૦ થી ૫૦૦ શ્રમિકોની સામાન્ય અવર-જવર થતી હોય છે, જેને મોટા પાયે પલાયન સાથે જોડવું યોગ્ય નથી.
ઉદ્યોગકારોનો સહયોગ અને ભવિષ્યની રણનીતિ:
મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ગેસની અછત અને યુદ્ધની અસરોને કારણે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જોકે, ઉદ્યોગકારો શ્રમિકોની સુવિધા માટે સતર્ક છે અને કોઈને મુશ્કેલી ન પડે તે માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. શટડાઉન બાદ જ્યારે ગેસનો પુરવઠો અને વૈશ્વિક સ્થિતિ સામાન્ય થશે ત્યારે ફરીથી પૂરજોશમાં ઉત્પાદન શરૂ કરવાની આશા ઉદ્યોગ જગતે વ્યક્ત કરી છે. હાલના તબક્કે, તંત્ર અને એસોસિએશન રેલવે સ્ટેશન પરની ભીડને નિયંત્રિત કરવા અને શ્રમિકોમાં વિશ્વાસ જગાડવા માટે પ્રયત્નશીલ છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
