તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 17th March 2026
જૂનાગઢ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ :ધારાસભ્ય અરવિંદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઠુંમર સામસામે
મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકીશનભાઈ માંડવીયાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું: તેમણે રાજીનામા પાછળ જ્ઞાતિ આધારિત ભેદભાવ અને કામમાં થતા અવરોધના ગંભીર આક્ષેપો કર્યા

જૂનાગઢ જિલ્લા ભાજપમાં હાલ ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પક્ષના આંતરિક વિખવાદ અને ખટરાગના કારણે સ્થાનિક રાજકારણમાં મોટો વંટોળ ઊભો થયો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર વચ્ચેનો વિવાદ હવે જાહેરમાં આવ્યો છે.
આ વિવાદના પરિણામે મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકીશનભાઈ માંડવીયાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે રાજીનામા પાછળ જ્ઞાતિ આધારિત ભેદભાવ અને કામમાં થતા અવરોધના ગંભીર આક્ષેપો કર્યા છે.
આ સમગ્ર મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ગ્રાન્ટ મુદ્દે રડતા-રડતા આજીજી કરતા સંભળાય છે. ઓડિયોમાં તે કહી રહ્યા છે કે, "મને 35 લાખ રૂપિયા આપો તો મીટિંગ કરવી છે, બાકી રામ રામ." જોકે, MLA અને તાલુકા પ.પ્રમુખના વાયરલ ઓડિયોની અમો પુષ્ટિ કરતા નથી.
ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર પર કામમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવતા જણાવ્યું હતું કે આયોજનની બેઠકમાં તેમને બોલાવવાની જરૂર હોતી નથી. બીજી તરફ, મેંદરડાના આગેવાનો વિનુભાઈ રાજાણી અને ચિરાગ રાજાણી સામે પણ તાલુકા પંચાયત પ્રમુખે રોષ વ્યક્ત કર્યો છે.
જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરે આ સમગ્ર ઘટનાને પક્ષ માટે શરમજનક ગણાવી છે. તેમણે જણાવ્યું કે પાર્ટીમાં એકબીજાની અવગણના કરવી એ પક્ષ માટે ખતરાની ઘંટી સમાન છે. તેમણે તાલુકા પંચાયત પ્રમુખના રાજીનામાને એક પ્રકારનું નાટક પણ ગણાવ્યું હતું, કારણ કે તેમની મુદત પૂરી થવાના આરે હતી.
આ આંતરિક જૂથબંધી અને ગ્રાન્ટ ફાળવણીના વિવાદને લઈને હરેશ ઠુંમર હવે પ્રદેશ કક્ષાએ ઉચ્ચકક્ષાની રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. માર્ચ મહિના પહેલા આયોજનની મીટિંગ બોલાવવાની હોય છે, પરંતુ ધારાસભ્ય દ્વારા એપ્રિલ મહિનામાં મીટિંગ બોલાવવા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
