News of Wednesday, 18th March 2026
અમરેલીના જંગર ગામે ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ 42 ગામો માટે જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો
એકસાથે 42 હિટાચી મશીનો કાર્યરત કરાયા:જંગર ગામ 350 ઘરોમાં સોલાર પેનલ સાથે 'સોલાર વિલેજ' બન્યું :મંત્રીએ વિકાસના કામોનો હિસાબ આપી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને 115 તળાવો ઊંડા કરવાનો લક્ષ્યાંક જાહેર કર્યો.

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના જંગર ગામે એક ઐતિહાસિક ઘટના આકાર પામી છે. રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે તાલુકાના 42 ગામો માટે જળસંચય મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ એક તાલુકામાં એકસાથે 42 હિટાચી મશીનો ઉતારીને ગામડે-ગામડે જળસંચયની કામગીરી શરૂ કરવામાં આવી હોય.
આ પ્રસંગે જંગર ગામ માટે બેવડી ખુશીનો અવસર હતો. આ નાનકડું ગામ હવે સૂર્યઉર્જાથી ઝળહળતું 'સોલાર વિલેજ' બની ગયું છે. ગામના 350થી વધુ ઘરો પર સોલાર પેનલ લગાડવામાં આવી છે. આ ભગીરથ કાર્યમાં ઉદ્યોગપતિ અને દાતા હરેશભાઈ વાછાણી નો મુખ્ય આર્થિક સહયોગ સાંપડ્યો છે. હવે ગ્રામજનોને મોંઘા વીજ બિલમાંથી મુક્તિ મળશે અને પર્યાવરણની જાળવણીમાં પણ ગામ મોખરે રહેશે.
કુંકાવાવ તાલુકાના પાણીના પ્રશ્નને કાયમી ઉકેલવા માટે સરકારે કમર કસી છે. દરેક ગામમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવા માટે એક-એક હિટાચી મશીન ફાળવવામાં આવ્યું છે. આગામી બે મહિના સુધી આ મશીનો અવિરત કામ કરશે. મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય હેતુ ચોમાસામાં મહત્તમ પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "મારો નિર્ધાર અમરેલી વિધાનસભાના 115 તળાવો ઊંડા કરવાનો છે. આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે."
કાર્યક્રમ દરમિયાન મંત્રીએ આક્રમક તેવર બતાવતા વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, "ભૂતકાળના 40 વર્ષનો હિસાબ માંગો અને મારા છેલ્લા 3 વર્ષના કામનો હિસાબ જુઓ. કોંગ્રેસે માત્ર વાતો કરી છે, જ્યારે ભાજપ સરકારે વિકાસને જમીન પર ઉતાર્યો છે." તેમણે મતદારોને ગેરમાર્ગે દોરનારા તત્વોથી સાવધ રહેવા અને ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયો પર ભરોસો રાખવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
