<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

પોરબંદરમાં વીજતંત્રની જમીન ખાલી કરાવતી વખતે ૩ મહિલાઓ બેભાન

પીજીવીસીએલ જમીન કેસમાં હાઈકોર્ટના ચૂકાદા બાદ ગેરકાયદે વસવાટ કરતા લોકોને હટાવવાની કામગીરી

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર, તા.૧૮: વીવી બજારમાં પીજીવીસીએલની જમીન ખાલી કરાવવાની કાર્યવાહી દરમ્‍યાન ૩ મહિલાઓ બેભાન થઈ જતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ બોલાવીને સારવાર માટે ખસેડાયેલ છે. પીજીવીસીએલના જમીન કેસમાં હાઈકોર્ટના ચૂકાદા બાદ આ જમીન ઉપરના ગેરકાયદે મકાનો ખાલી કરાવાય રહયા છે.

પેરેડાઇઝ ફુવારા નજીકનો વિસ્‍તાર, જેને લોકો વી.વી.બજાર તરીકે ઓળખે છે, ત્‍યાં દેવીપૂજક સમાજના પરિવારો ઈસવીસન ૧૯૮૪થી વસવાટ કરી રહ્યા છે. વર્ષો દરમિયાન અહીં લોકોના કાચા-પક્કા મકાનો ઊભા થયા છે અને સમગ્ર વિસ્‍તાર એક વસાહત તરીકે વિકસ્‍યો છે. આ જમીન પર માલિકીનો પ્રશ્‍ન વર્ષોથી વિવાદમાં રહ્યો છે. શરૂઆતમાં નગરપાલિકા આ જમીન પોતાની માલિકીની હોવાનું જણાવતી હતી, જેના કારણે સ્‍થાનિક રહેવાસીઓએ કોર્ટનો દરવાજો ખટખટાવ્‍યો હતો. પછી પીજીવીસીએલ તંત્ર દ્વારા આ જમીન પોતાની માલિકીની હોવાનું જણાવીને કાયદાકીય લડત શરૂ કરવામાં આવી.

આ કેસ લાંબા સમય સુધી ચાલ્‍યો અને અંતે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્‍યો. રહેવાસીઓના મામલે અપીલ દાખલ કરી હતી, પરંતુ ફેબ્રુઆરી ૨૦૨૬માં હાઈકોર્ટ દ્વારા તેમની અપીલ ફગાવી દેવામાં આવી. કોર્ટના ચુકાદામાં જણાવાયું કે આ ૪,૮૭૦ ચોરસ મીટર જમીન પર બિનઅધિકળત કબજો છે અને તેને ખાલી કરાવવો જરૂરી બન્‍યો.

હાઈકોર્ટના ચુકાદા બાદ પીજીવીસીએલ તંત્ર સક્રિય બન્‍યું અને જમીન ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરી. પોલીસ પ્રોટેક્‍શન સાથે તંત્ર દ્વારા ડિમોલિશનની તૈયારી કરવામાં આવી, જેના કારણે વિસ્‍તારમાં તણાવ વધી ગયો. પરિસ્‍થિતિ બગડે તે પહેલાં પોલીસ દોડી આવી હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

(1:37 PM IST)