<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ચોટીલા સર્કિટ હાઉસમાં ચાર બિન-સરકારી શખ્‍સો ઝડપાયા

સર્કિટ હાઉસ ખાનગી માણસોનો મફતિયો અડ્ડો બન્‍યાની બૂમરેણ ઉઠી હતી! તસવીરઃ હેમલ શાહ ગેરકાયદેસર રોકાણ કરનારાઓ સામે લાલ આંખઃ જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસના આદેશ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૧૯: ચોટીલા વહીવટી તંત્ર દ્વારા આજે સરકારી મિલકતોના દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચોટીલાના નાયબ કલેક્‍ટર એચ.ટી. મકવાણાએ સર્કિટ હાઉસમાં આકસ્‍મિક તપાસ હાથ ધરતા બિન-સરકારી વ્‍યક્‍તિઓ દ્વારા થતા ગેરકાયદેસર રોકાણનો પર્દાફાશ થયો છે. માહિતી મુજબ તારીખ ૧૮ ના રોજ નાયબ કલેક્‍ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા શહેર સ્‍થિત સર્કિટ હાઉસની મુલાકાત લીધી હતી. આ તપાસણી દરમિયાન ત્‍યાં હાજર ૪ (ચાર) વ્‍યક્‍તિઓ શંકાસ્‍પદ જણાતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસના અંતે માલુમ પડ્‍યું હતું કે આ ચારેય વ્‍યક્‍તિઓ કોઈ પણ સરકારી મંજૂરી વગર કે યોગ્‍ય કારણ વગર ગેરકાયદેસર રીતે રોકાયેલા હતા.

ઝડપાયેલ વ્‍યક્‍તિઓમાં:

૧. હરેશભાઇ માવજીભાઇ ગઢવી (રહે. ગારીડા, તા. રાજકોટ) ૨. હરેશભાઇ પોલાભાઇ વાઘેલા (રહે. ગુંદા, તા. ચોટીલા) ૩. અરવિંદભાઇ પાંચાભાઇ ચાવડા (રહે. રાજપરા, તા. ચોટીલા) ૪. ગોરધનભાઇ જાદવભાઇ ચાવડા (રહે. ગુંદા, તા. ચોટીલા) છે.

નાયબ કલેક્‍ટરે આ ગંભીર બેદરકારી બદલ માત્ર ગેરકાયદે રોકાણ કરનારાઓ જ નહીં, પરંતુ સર્કિટ હાઉસના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ નિયમોનુસાર કડક કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્‍યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચોટીલા ભીમગઢ રોડ ઉપર આવેલ સર્કિટ હાઉસ છેલ્લા ઘણા સમયથી ખાનગી માણસો અને કહેવાતા મફતિયા આગેવાનોનું મફતનું આશ્રય સ્‍થાન બની ગયેલ હોવાની હકિકત ચોટીલા નાયબ કલેકટરના ધ્‍યાન ઉપર આવતા આકસ્‍મિક ચેકિંગ કરતા ભાંડો ફૂટેલ હતો. હાલમાં આ ચારેય ઇસમોને આગળની કાયદેસરની કાર્યવાહી અને જામીનગીરીની પ્રક્રિયા માટે મામલતદાર ચોટીલાને સુપ્રત કરવામાં આવ્‍યા છે. આ ઘટનાને પગલે સરકારી કચેરીઓમાં અને ગેસ્‍ટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવળત્તિ કરનારા તત્‍વોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

(1:30 PM IST)