<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

કાલથી માધાપરમાં પૂ.મોરારીબાપુની શ્રી રામકથાઃ ઝવેરચંદ મેઘાણીના કચ્‍છ સાથે લાગણીસભર સંભારણા

‘અસીં ગિરીવરજા મોરલા, કાંકર પેટ ભરાં. રત આવે ન બોલિયાં, હૈડો ફાટ મરાં': ઝવેરચંદ મેઘાણીને કચ્‍છમાં પરિભ્રમણ કરીને ત્‍યાંનાં લોકસાહિત્‍ય વિશે ગહન સંશોધન કરવાની અંતરની આરઝુ હતી પણ દુર્ભાગ્‍યવશ તે અપૂર્ણ રહી : ૧૯૩૮માં પ્રગટ થયેલ પોતાની કૃતિ પુરાતન જ્‍યોતમાં ઝવેરચંદ મેઘાણીએ જેસલ-તોરલ અને સંત મેકરણનાં જીવન-કવન રસપ્રદ અને માહિતીસભર રીતે આલેખન કર્યું છે : કચ્‍છના મોટા ગજાનાં લોકસાહિત્‍યનાં સંશોધક કવિ દુલેરાય કારાણી અને ચારણ વિદ્વાન પિંગળશી પાયક ઝવેરચંદ મેઘાણીના સ્‍નેહી-મિત્રો હતા

રાજકોટ તા.૨૦: મહાત્‍મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સાહિત્‍યકાર, લોકસાહિત્‍યના સંશોધક, પત્રકાર અને સ્‍વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યસ્‍મૃતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે ૦૭થી ૧૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન વિશ્વવંદનીય પૂ. મોરારિબાપુના શ્રીમુખે દિવ્‍ય અને ભવ્‍ય માનસ મેઘાણી રામકથાનું આયોજન થયું હતું. વિશ્વભરમાં વસતાં ભાવિકોએ આ અનન્‍ય કથાનું શ્રધ્‍ધાપૂર્વક રસપાન કર્યું હતું. પૂ. મોરારિબાપુના શુભાશિષ અને મંગલમય વાણી થકી અખિલ બ્રહ્માંડમાં મેઘાણી-નાદનું ગુંજન થયું હતું.

આગામી ૨૧થી ૨૯ માર્ચ સુધી કચ્‍છના ભુજ પાસે આવેલ માધાપર ખાતે પૂ. મોરારિબાપુના શ્રીમુખે રામકથાનું આયોજન થઈ રહ્યું છે તે અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના કચ્‍છ સાથેના લાગણીસભર સંભારણાં અત્રે પ્રસ્‍તુત છે.

૧૯૩૫ - માર્ચમાં ઝવેરચંદ મેઘાણીને કચ્‍છથી એક સ્‍નેહીનો પત્ર પ્રાપ્ત થાય છે : ‘... લાંબુ રણ અને ત્રણ બાજુ ગાજી રહેલો સાગર. કચ્‍છમાં એવું છે કે .. ભાઈ, તમે હો તો ઘણું બહાર આવે. તમે અહીં આવો તો કચ્‍છ-સિધની કાફીઓ સંભળાવું ...'.  ઝવેરચંદ મેઘાણીને કચ્‍છમાં પરિભ્રમણ કરીને ત્‍યાંનાં લોકસાહિત્‍ય વિશે ગહન સંશોધન કરવાની અંતરની આરઝુ હતી. પણ દુર્ભાગ્‍યવશ તે અપૂર્ણ રહી.

પ્રાણવંતી અને જોમદાર કચ્‍છી બોલી વિશે ઝવેરચંદ મેઘાણી લાગણીભેર નોંધે છેઃ ‘કચ્‍છી બોલીની અંદર ત્‍યાંના લોકસાહિત્‍યમાં -- એની ગીતકથાઓમાં, કથાઓમાં, કહેવતોમાં, ટુચકાઓમાં --  સર્વમાં જે ચોટદાર માર્મિક અલ્‍પાક્ષરી વાણી-પાટવ છે તેની પાછળ ભૂમિકા છે ત્‍યાંના રણવાસી, પહાડવાસી, સાગરવાસી, સાહસશૂર પ્રજાજીવનની ... '

૧૯૩૮માં પ્રગટ થયેલ પોતાની કૃતિ ‘પુરાતન જ્‍યોત'માં ઝવેરચંદ મેઘાણીએ જેસલ-તોરલ અને સંત મેકરણનાં જીવન-કવન રસપ્રદ અને માહિતીસભર રીતે આલેખન કર્યું છે. પોતાના પરિભ્રમણ દરમિયાન લોકમુખેથી સાંભળીને ટાંચણપોથીમાં ટપકાવી રાખેલાં ૧૦૪ પ્રાચીન ભજનોના સંગ્રહ ‘સોરઠી સંતવાણી'નાં પ્રવેશકમાં ઝવેરચંદ મેઘાણીએ રવિભાણ સંપ્રદાયનાં સંતો ભાણસાહેબ, રવિસાહેબ, ખીમસાહેબ, ત્રિકમ સાહેબ વિશે વિસ્‍તૃત આલેખન કર્યુ છે.

ઝવેરચંદ મેઘાણીની સૌથી વધુ લોકપ્રિય કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર'નાં ચોથા ભાગમાં હોથલ પદમણી અને ઓઢા જામનાં પ્રેમ-વીરત્‍વની અમર ગાથા ‘હોથલ' આલેખાયેલી છે. મિશ્ર કચ્‍છી-સોરઠી વાણીનાં દુહાઓ પણ આમાં બખુબી વણી લેવાયાં છે. આવા જ એક દુહાનું સ્‍મરણ થાય છે : ‘અસીં ગિરીવરજા મોરલા, કાંકર પેટ ભરાં. રત આવે ન બોલિયાં, હૈડો ફાટ મરાં.'

કચ્‍છના મોટા ગજાનાં લોકસાહિત્‍યનાં સંશોધક કવિ દુલેરાય કારાણી અને ચારણ વિદ્વાન પિગળશી પાયક ઝવેરચંદ મેઘાણીના સ્‍નેહી-મિત્રો હતા. સંત મેકરણ દ્વારા કચ્‍છી બોલીમાં રચાયેલી સાખીઓનાં ગુજરાતી અર્થ માટે દુલેરાય કારાણીનો સહયોગ ઝવેરચંદ મેઘાણીને સાંપડ્‍યો હતો

આલેખનઃ પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(10:03 AM IST)