માંગરોળના ચંદવાણા પાસે ૨ બાઈક વચ્ચે અકસ્માતઃ અગતરાયના વૃદ્ધનું મોત
કેસુડાના ફુલ લેવા જતા હતા, મૃતકના સંબંધીને ઇજા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૦: માંગરોળના ચંદવાણા પાસે ૨ બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા અગતરાયના વૃદ્ધનું મોત નિપજ્યું હતું અને મરનારના સંબંધીને ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતા.
અકસ્માતના આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર કેશોદ તાલુકાના અગતરાય ગામના પ્રભુદાસભાઈ વલ્લભભાઈ કાલરીયા (ઉં.વ. ૭૦) તેમના સંબંધી જેન્તીભાઈ બધાભાઈ ચુડાસમા સાથે જીજે ૧૧ એઇ ૫૦૩૮ નંબરના બાઈક પર ચંદવાણાથી નગીચાણા કેસુડાના ફૂલ લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન માંગરોળ તાલુકાના ચંદવાણા ગામથી નગીચાણા તરફ જતા રસ્તા પર આવેલ ખીમજીભાઈની વાડી પાસે સામેથી આવી પુરઝડપે રહેલા જીજે ૧૧ બીએમ ૫૭૭૨ના ચાલક ચંદવાણા ગામના નીલેશ નરસિહભાઈ પરમારે પોતાના બાઈકની પ્રભુદાસભાઈની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં પ્રભુદાસભાઈ તથા જેન્તીભાઇને ઈજા થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કેશોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વધુ ગંભીર ઇજા થવાથી પ્રભુદાસભાઈને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
શીલ પોલીસે મૃતકના ભાઈ શશીકાંતભાઈની ફરિયાદ લઈ બાઇક ચાલક નીલેશ પરમાર વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
