<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ધ્રોલ પાસે જંગલી ભૂંડ આડે ઉતરતા પુત્રની નજર સામે જ માતાનું કરૂણ મોત

મોટરસાયકલમાં પુત્ર સાથે જઇ રહયા હતા ત્‍યારે દુર્ઘટનાઃ સગાડીયા ગામના સોનલબેન પીપરીયાનું મોત થતા અરેરાટી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૦: ધ્રોલ તાલુકાના સગાડીયા ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્‍માતની ઘટના સામે આવી છે, જેમાં જંગલી ભૂંડ મોટરસાયકલ સાથે અથડાતા સર્જાયેલા અકસ્‍માતમાં ૪૩ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્‍યું છે. આ બનાવ અંગેની વિગત એવી છે કે, ધ્રોલ તાલુકાના સગાડીયા ગામે રહેતા અને મજુરી કામ કરતા ધવલભાઈ ધીરજભાઈ પીપરીયા (ઉ.વ. ૨૦) ગત તા. ૧૫/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે ૦૮:૩૦ વાગ્‍યાના સુમારે પોતાની માતા સોનલબેન (ઉ.વ. ૪૩) ને મોટરસાયકલ પર બેસાડી સુધાગુના ગામથી સગાડીયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સિંગલ પટ્ટી રોડ પર અચાનક બાજુના ખેતરમાંથી એક જંગલી ભૂંડ દોડીને રોડ પર આવી ચડ્‍યું હતું અને મોટરસાયકલ સાથે અથડાયું હતું.

ભૂંડ અથડાવાને કારણે મોટરસાયકલ સ્‍લીપ થઈ જતાં માતા-પુત્ર બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્‍માતમાં ચાલક ધવલભાઈને શરીરે સામાન્‍ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ પાછળ બેઠેલા તેમના માતા સોનલબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં માથામાં હેમરેજ થઈ જવાથી ટૂંકી સારવાર બાદ તેમનું કરૂણ મળત્‍યુ નીપજ્‍યું હતું. આ ઘટના અંગે ધવલભાઈએ ધ્રોલ પોલીસ મથકમાં જાણ કરતા, હેડ કોન્‍સ્‍ટેબલ જે.કે. દલસાણીયે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અચાનક બનેલી આ ઘટનાથી પીપરીયા પરિવાર અને સગાડીયા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

(12:02 PM IST)