હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામજોધપુરના નારીયેરા નેશના આંગણે ભક્તિનો મહાકુંભ આઇશ્રી વાલબાઈ
માતાજીના સાનિધ્યમાં યોજાશે ભવ્ય ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ' ૨૪ માર્ચથી વહેશે કથામૃતની સરવાણીઃ સંતો-મહંતો અને રાજકીય માંધાતાઓની ઉપસ્થિતિમાં પિતૃ મોક્ષાર્થે દિવ્ય જ્ઞાનયજ્ઞ..

સંજય ડાંગર દ્રારા -ધ્રોલ,તા.૨૦: જામજોધપુરઃ હાલારની પવિત્ર ધરા પર જ્યારે ભક્તિ અને શક્તિનો સંગમ થાય છે ત્યારે આધ્યાત્મિકતાનો એક અનોખો માહોલ સર્જાય છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ નારીયેરા નેશ ખાતે આગામી ચૈત્ર માસમાં આવો જ એક દિવ્ય અવસર આકાર લેવા જઈ રહ્યો છે. ચારણ જગદંબા આઇશ્રી વાલબાઈ માતાજીના પાવન ધામમાં, સર્વ સેવકગણના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ મંગલકારી ભાગવત કથાના તપોમય વ્યાસાસન પર પ્રખર યુવા આચાર્ય શાસ્ત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રસાદ (રસરાજ) બિરાજશે. તેઓ પોતાની આગવી અને સુમધુર સંગીતમય શૈલીમાં શ્રોતાઓને ભાગવતજીના ગૂઢ રહસ્યો અને ભગવાનની લીલાઓનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩:૩૦ થી ૬ સુધી રાખવામાં આવ્યો છે.
વિક્રમ સંવત ૨૦૮૨, ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં કથાના વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. જેમાં ૨૪ માર્ચના રોજ પોથી યાત્રા સાથે કથાનો પ્રારંભ થશે. ૨૬ માર્ચે નૃહસિહ પ્રાગટ્ય, ૨૭ માર્ચે શ્રી રામ પ્રાગટ્ય અને સાંજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ (નંદ મહોત્સવ) ઉજવાશે. ૨૯ માર્ચે શ્રી રૂકમણી વિવાહ અને ૩૦ માર્ચના રોજ સુદામા ચરિત્ર સાથે કથાનું વિરામ થશે.
આ મહોત્સવમાં અનેક દિવ્ય વિભૂતિઓ પધારીને આશીર્વચન પાઠવશે. ગાયત્રી આશ્રમ - ગધેથડના પૂજ્ય લાલદાસ બાપુએ આ પ્રસંગે વિશેષ આશીર્વાદ આપતા જણાવ્યું છે કે, આઇશ્રી વાલબાઈ માતાજીના સાનિધ્યમાં થઈ રહેલું આ કાર્ય અનેક જીવાત્માઓના મોક્ષનું કારણ બનશે. આ ઉપરાંત સોનલધામ-મઢડાથી કંચન માં, રામપરાથી રૂપલ માં, જામ ખંભાળીયાથી હિરલ માં, ગાંગેચાથી સોનલ માં અને જુનાગઢથી આઇ શ્રી દેવલ માં સહિતના શક્તિસ્વરૂપો પધારીને ભક્તોને દર્શનનો લાભ આપશે. સાથે જ શ્રી જેન્તીરામ બાપા (ઘુનડા), દિગંબર જિનોદગીરી બાપુ (સતાપર), રવિ ભારતી બાપુ (નારીયેરા નેશ) અને અન્ય અનેક સંતો-મહંતો તેમજ ભુવા આતાશ્રીઓ આ પ્રસંગની શોભા વધારશે.
કથા શ્રવણની સાથે સાથે રાત્રિના સમયે લોકસાહિત્ય અને ભક્તિ સંગીતની મહેફિલ જામશે. જેમાં ભુપત આતા, આલયબેન ગઢવી, ભીમાભાઈ ગઢવી, વેજલબેન ગઢવી, કે.ડી. ગઢવી અને જય ઓડેદરા જેવા કલાકારો પોતાની કલા પીરસશે. ૨૭ માર્ચે સતાપરની જગવિખ્યાત ભવ્ય કાનગોપીનો ઉત્સવ યોજાશે, જ્યારે ૨૯ માર્ચે લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને દેવરાજ ગઢવી સહિતના કલાકારો દ્વારા ભવ્ય ડાયરો યોજાશે.
આ ધાર્મિક મહોત્સવમાં ગુજરાતના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, હેમંતભાઈ ખવા સહિતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આયોજકો દ્વારા કથા શ્રવણ માટે આવતા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી વાલબાઈ ધામના સેવક સમુદાય દ્વારા આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
