<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

આકાશી ખાદલીના સંકેતઃ વર્ષ ૨૦૨૬માં આર્થિક મંદી અને ખેત ઉત્‍પાદનમાં

ઘટાડાની ભીતિઃ રોહિણી રેલાશે છઠા મહિનામાં મોન્‍સૂનનો મંડાણ ટંકારાના ખગોળ અભ્‍યાસુ કિશોરભાઈ ભાડજાનું ચૈત્ર સુદ પાંચમના આધારે વર્ષનું તારણ

(જયેશ ભટાસણા) ટંકારાઃ સનાતન પરંપરામાં આકાશ દર્શન દ્વારા વર્ષની આગાહી કરવાની અનોખી પદ્ધતિ આજે પણ પ્રચલિત છે. ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામના ખગોળ અભ્‍યાસુ કિશોરભાઈ ભાડજા ૯૫૮૬૫૯૦૬૦૧ એ વર્ષ ૨૦૨૬ માટે ચૈત્ર સુદ પાંચમની ‘ખાદલી' (ગાડલી) પરથી ચોંકાવનારું તારણ રજૂ કર્યું છે. આકાશી નક્ષત્રોની સ્‍થિતિ મુજબ, આગામી વર્ષ વેપાર અને ખેતી માટે મિશ્ર ફળદાયી રહેવાના સંકેતો મળી રહ્યા છે.

ખાદલીના ચિત્રનું વિશ્‍લેષણઃ સરહદ પર ભય અને બજારમાં મંદી

૨૩ માર્ચ ૨૦૨૬, સોમવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે પヘમિ દિશામાં સર્જાનારી ‘ખાદલી'ની સ્‍થિતિ મુજબઃ ખેતી અને વેપારઃ ‘વસિયાત' (વેપારી/ચંદ્ર) એ માલનું ગાડું રેઢું મૂક્‍યું હોવાથી ખેત ઉત્‍પાદનમાં ઘટાડો થઈ શકે છે અને બજારમાં મંદીનો માહોલ જોવા મળી શકે છે.

સરહદી સુરક્ષાઃ વસિયાત રખેવાળથી ઘણો દૂર હોવાથી દેશની સરહદો પર તણાવ કે ભયના સંકેતો વર્તાય છે.

જનજીવનઃસામાન્‍ય જનતાએ મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે આકાશી ગ્રહદશા સામાન્‍ય માનવીના સમુદાય પર પ્રતિકૂળ અસરો દર્શાવે છે.

ચોમાસાનું ચિત્રઃ ત્રણ તબક્કામાં વહેંચાશે વરસાદ કિશોરભાઈના મતે વર્ષ ૨૦૨૬નું ચોમાસું એકધારું રહેવાને બદલે સારું, મધ્‍યમ અને નબળું એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું રહેશે.

વાવણીના મુહૂર્ત

પ્રથમ વાવણીઃ ૨૭ મે થી ૨ જૂન (રોહિણી નક્ષત્ર) દરમિયાન અમુક વિસ્‍તારોમાં વાવણી થશે.

બીજી વાવણીઃ ૧ થી ૬ જુલાઈ (આદ્રા નક્ષત્ર) દરમિયાન મોટા ભાગના વિસ્‍તારોમાં વાવણી જોગ વરસાદની શક્‍યતા છે.

વરસાદના મહત્‍વના રાઉન્‍ડ

જુલાઈના અંતમાં (પુષ્‍ય નક્ષત્ર) વરસાદનો એક સારો રાઉન્‍ડ આવશે.

વર્ષનો મુખ્‍ય આધારઃ ૨૪ થી ૩૦ ઓગસ્‍ટ (મઘા નક્ષત્ર) દરમિયાન પડનારો વરસાદ વર્ષનું ચિત્ર બદલી નાખશે. આ સમયગાળામાં ભારે વરસાદની શક્‍યતા છે.

માવઠું: એપ્રિલ મહિનાના અંતમાં (૨૨ થી ૩૦ એપ્રિલ) અશ્વિની અને ભરણી નક્ષત્રના જોડાણ સમયે કમોસમી વરસાદની ભીતિ છે.

વર્ષના ચાર સ્‍તંભોઃ જળ અને અન્ન સ્‍તંભ ‘શૂન્‍ય'

જ્‍યોતિષીય ગણતરી મુજબ વર્ષના ચાર મુખ્‍ય સ્‍તંભોની ટકાવારી ચિતાજનક છેઃ

જળ સ્‍તંભઃ ૦૦% અન્ન સ્‍તંભઃ ૦૦%

તૃણ સ્‍તંભઃ ૨૧% વાયુ સ્‍તંભઃ ૫૩%

આ અંકો સૂચવે છે કે પવનનું જોર વધુ રહેશે પરંતુ પાણી અને અનાજની બાબતમાં કુદરતની કસોટી થઈ શકે છે. જોકે,આ વર્ષે રોહિણી નો વાસ સમુન્‍દ્રમાં અને મેઘ નિવાસ 'માળીને ઘરે' હોવાથી અંતિમ આશા કુદરત પર ટકેલી છે.

(1:28 PM IST)