<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પૂ. મોરારિબાપુનો પ્રેરણાદાયી ચિંતન સંવાદ : રામચરિત માનસના પાત્રો દ્વારા જીવનના ગહન મૂલ્યોની સમજ આપી : જુઓ વિડીયો

કેળવણીધામની મુલાકાત દરમિયાન માનસના ત્રણ સખા સુગ્રીવ, વિભીષણ અને નિષાદરાજ ગુહના ચરિત્રનું રસપ્રદ વિશ્લેષણ કરી સંસ્થાની સામાજિક સેવાને બિરદાવતા બાપુ : તબલા વાદન અને ભાવ રચના સાથે કાર્યકર્તાઓ-વિદ્યાર્થીઓએ માણ્યો બેઠક લાભ

ઈશ્વરિયા:ગોહિલવાડની સુપ્રસિધ્ધ અને પાયાની કેળવણી આપતી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વિશ્વ વિખ્યાત રામકથાકાર પૂ. મોરારિબાપુએ મુલાકાત લઈ મુક્તમને પ્રાસંગિક ચિંતન સંવાદ કર્યો હતો. આ અવસરે સંસ્થાના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને પૂ. બાપુના સાનિધ્યનો અને તેમના વિચારો શ્રવણ કરવાનો અમૂલ્ય બેઠક લાભ પ્રાપ્ત થયો હતો. કેળવણીના આ ધામમાં બાપુના આગમનથી સમગ્ર સંકુલમાં ભક્તિ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ રચાયો હતો.

રામચરિત માનસના પાત્રોનું તાત્વિક દર્શન:
પોતાના ચિંતન સંવાદ દરમિયાન પૂ. મોરારિબાપુએ રામચરિત માનસના ઊંડાણપૂર્વકના અભ્યાસ સાથે ત્રણ મહત્ત્વના પાત્રો અને સખાઓનું સુંદર વિશ્લેષણ પ્રસ્તુત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રામાયણમાં ત્રણ પ્રકારના સખાઓનું વર્ણન છે, જેમાં સુગ્રીવ એ સુખની ઈચ્છા રાખનાર 'વિષયી' પાત્ર છે, વિભીષણ એ ઈશ્વર તરફ ગતિ કરનાર 'સાધક' છે, જ્યારે નિષાદરાજ ગુહ એ 'સિદ્ધ' હોવાનો ભાવ વ્યક્ત કરે છે. આ દાર્શનિક વાત રજૂ કરવાની સાથે તેમણે લોકભારતી જેવી સંસ્થાઓ જે પ્રકારે મૂલ્યનિષ્ઠ કેળવણી દ્વારા સમાજ ઘડતરનું કાર્ય કરી રહી છે તેના પ્રત્યે પોતાનો રાજીપો અને આનંદ વ્યક્ત કર્યો હતો.

સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ પ્રસંગને વધુ મંગલમય બનાવવા માટે અનુજ રામાનુજ અને ગૌતમ વિરાશની જોડી દ્વારા તબલા વાદન સાથે સુંદર પ્રાસંગિક ભાવ રચના રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત શ્રોતાઓએ મન ભરીને માણી હતી. આ આધ્યાત્મિક અને શૈક્ષણિક સભામાં લોકભારતી પરિવારના અગ્રણી રામચંદ્રભાઈ પંચોળી, નિયામક હસમુખભાઈ દેવમુરારિ, કાંતિભાઈ ગોઠી, નીતિનભાઈ ભીંગરાડિયા, જગદીશગિરી ગોસાઈ તેમજ જયવંતસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ભૌતિકભાઈ લીંબાણી, નિગમભાઈ શુક્લ, રેખાબેન વ્યાસ, ડાહ્યાભાઈ સેંધવ સહિતના સંસ્થાના વિવિધ વિભાગના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. પૂ. મોરારિબાપુના સરળ અને પ્રવાહી શૈલીના સંવાદે વિદ્યાર્થીઓમાં નવું જોમ અને જીવન જીવવાની નવી દ્રષ્ટિ પૂરી પાડી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:21 PM IST)