<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

પ્રકૃતિના તમામ જીવોને આપણી સાથે જીવાડવાની નૈતિક જવાબદારી : ઈશ્વરિયાની પ્રાથમિક શાળામાં ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત ચકલીના માળાનું વિતરણ

ઉગામેડી સ્થિત નિવૃત્ત આચાર્ય રમેશભાઈ નાકરાણીના સૌજન્યથી વિદ્યાર્થીઓને પક્ષીઓના આશરા માટે માળાની ભેટ અપાઈ : પર્યાવરણ જાળવણી અને જીવદયાના ઉમદા સંદેશ સાથે શૈક્ષણિક સંકુલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

ઈશ્વરિયા:વધતા જતાં શહેરીકરણ અને આધુનિકરણ વચ્ચે લુપ્ત થઈ રહેલી ચકલીઓ અને અન્ય પક્ષીઓના સંરક્ષણ માટે ઈશ્વરિયાની પ્રાથમિક શાળામાં એક પ્રેરણાદાયી કાર્યક્રમ સંપન્ન થયો છે. ‘ધરતીના છોરું’ અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે જોડવાનો અને જીવમાત્ર પ્રત્યે કરુણા જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પૃથ્વી પરના તમામ જીવોને આપણી સાથે જીવાડવાની અને તેમનું જતન કરવાની જવાબદારી મનુષ્ય તરીકે આપણી સૌની છે.

ચકલી બચાવો અભિયાનમાં દાતાઓનું યોગદાન:
આ સેવાકીય પ્રવૃત્તિમાં ઈશ્વરિયાના વતની અને હાલ ઉગામેડી સ્થિત નિવૃત્ત આચાર્ય રમેશભાઈ નાકરાણી દ્વારા દાતા તરીકે સહયોગ આપવામાં આવ્યો હતો. તેમના સૌજન્યથી શાળાના વિદ્યાર્થીઓને ચકલીના માળાની ભેટ આપવામાં આવી હતી, જેથી બાળકો પોતાના ઘરે કે આસપાસના વિસ્તારમાં આ માળા લગાવી પક્ષીઓને આશરો આપી શકે. ‘ધરતીના છોરું’ અભિયાનના સંયોજક મૂકેશ પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે વિદ્યાર્થીઓને પર્યાવરણ અને પક્ષીઓના મહત્વ વિશે સમજણ આપી હતી.

શાળા પરિવારનું સુંદર આયોજન:
સમગ્ર કાર્યક્રમનું સંકલન શિક્ષક પ્રકાશભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય કિશોરભાઈ ઢેઢીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ બેઠકમાં શિક્ષણ ગણના સભ્યો ભૂમિકાબેન પંચાલ, રેખાબેન સવાણી, કાજલબેન ડોડિયા, વિનોદભાઈ બાબરિયા અને હરજીભાઈ સરધારાએ ઉત્સાહપૂર્વક જોડાઈને વ્યવસ્થા સંભાળી હતી.

વિદ્યાર્થીઓએ પણ હોંશભેર ચકલીના માળા સ્વીકારી પ્રકૃતિના જતન માટેના આ અભિયાનમાં સહભાગી થવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય સ્તરે પર્યાવરણ જાળવણીનો એક નવો ચીલો ચાતરવામાં આવ્યો છે, જેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:23 PM IST)