<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ભીલવાડાથી ૧૨ જ્‍યોતિર્લિંગ અને ચાર ધામ પદયાત્રા પર નીકળેલા શક્‍તિસિંહનું હળવદમાં ભવ્‍ય સ્‍વાગત

( દીપક જાની દ્વારા)  હળવદ, તા.૨૧: ભીલવાડાથી ગૌમાતા ના સંરક્ષણ અને તેને રાષ્‍ટ્રમાતાનો દરજ્જો અપાવવાના પવિત્ર સંકલ્‍પ સાથે ૧૨ જ્‍યોર્તિલિંગની અને ચાર ધામ પદયાત્રા પર નીકળેલા શક્‍તિ સિંહનું હળવદ શહેરમાં આગમન થતા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

 પદયાત્રા આશરે ૧૬ થી ૧૭ હજાર કિલોમીટર જેટલી લાંબી છે, જેમાં શક્‍તિ સિંહ દ્વારા દેશભરમાં ગૌ સંરક્ષણ અને ગૌમાતા પ્રત્‍યે જાગળતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે ત્‍યારે ૭૧૫ માં દિવસે તેઓ સોમનાથ દ્વારિકા દર્શન કરી ઉજૈન જતા સમયે હળવદ આવી પહોચ્‍યા હતા ત્‍યારે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે તેમનું ઉમળકાભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તેમની આ યાત્રા દરમિયાન અનેક સ્‍થળોએ લોકોએ ઉત્‍સાહપૂર્વક આવકાર આપી અભિનંદન પાઠવ્‍યા છે.

હળવદ ખાતે તેમના આગમન પ્રસંગે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે સ્‍થાનિક આગેવાનો, ગૌભક્‍તો અને યુવાઓ દ્વારા ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉપસ્‍થિત તમામ લોકોએ શક્‍તિ સિંહના આ પવિત્ર અભિયાનને બિરદાવ્‍યું અને તેમની હિંમત તથા સમર્પણની પ્રશંસા કરી.આ યાત્રાનો મુખ્‍ય હેતુ ગૌમાતા પ્રત્‍યે લોકોમાં જાગળતિ લાવવાનો અને તેને રાષ્‍ટ્રમાતા નો દરજ્જો અપાવવા માટે જનઆંદોલન ઉભું કરવાનો છે.આ પ્રસંગે ઉપસ્‍થિત આગેવાનો અને ગૌસેવકો દ્વારા શક્‍તિ સિંહને શુભેચ્‍છાઓ પાઠવી તેમની યાત્રા સફળ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી.

(11:15 AM IST)