ગોંડલની હોસ્પિટલમાં 'ખુશીઓ માતમમાં ફેરવાઈ': પ્રસૂતિ દરમિયાન માતા અને નવજાત બાળકનું કરુણ મોત, તબીબોની બેદરકારીના આક્ષેપથી પંથકમાં ભારે રોષ
૩ વર્ષની માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી: ડોક્ટરની ગેરહાજરી અને સ્ટાફની લાપરવાહીએ બે જિંદગીઓનો ભોગ લીધો હોવાનો પરિવારનો આક્ષેપ; ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરાતા મામલો ગરમાયો

ગોંડલ: ગોંડલની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં આજે એક એવી કરુણાંતિકા સર્જાઈ છે જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. વાછરા ગામના ૩૦ વર્ષીય લક્ષ્મીબેન સોલંકી અને તેમના નવજાત શિશુનું પ્રસૂતિ દરમિયાન મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જે ઘરમાં પારણું બંધાવાની આશા હતી, ત્યાં આજે મરણની ચીસો સંભળાઈ રહી છે. આ ઘટના બાદ પરિવારે હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પૂજા પરમાર અને સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરી ન્યાયની માંગ કરી છે.
સમયસર સારવાર ન મળ્યાનો ગંભીર આક્ષેપ
પરિવારના જણાવ્યા અનુસાર, લક્ષ્મીબેનને ૨૦ તારીખે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારે ડોક્ટરે માતા-બાળક બંને સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. જોકે, આજે વહેલી સવારે ૩ વાગ્યે જ્યારે લક્ષ્મીબેનને અસહ્ય દુખાવો ઉપડ્યો ત્યારે સ્થળ પર કોઈ ડોક્ટર હાજર નહોતા. સ્ટાફને વારંવાર રજૂઆત કરવા છતાં ડોક્ટર મોડા પહોંચ્યા હતા. ડિલિવરી રૂમમાં લઈ ગયા બાદ બાળક મૃત જન્મ્યું હોવા છતાં પરિવારને સમયસર જાણ કરવામાં આવી નહોતી અને ટૂંકી સારવારમાં માતાએ પણ દમ તોડી દીધો હતો.
માતા-પુત્રના અંતિમ સંગાથથી સૌની આંખો ભીની થઈ
ગોંડલ સિવિલ હોસ્પિટલના પી.એમ. રૂમમાં આજે કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મૃત નવજાત બાળકને તેની માતાના પડખામાં જ સુવડાવવામાં આવ્યું હતું. માતા અને સંતાનનો આ કરુણ અંતિમ સંગાથ જોઈને હોસ્પિટલમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. આ કરૂણાંતિકાને કારણે લક્ષ્મીબેનની ૩ વર્ષની માસૂમ દીકરીએ નાની ઉંમરે માતાની છત્રછાયા ગુમાવી છે, જેના આક્રંદે પથ્થર હૃદયના માનવીને પણ રડાવી દીધા હતા.
ન્યાય માટે આંદોલન અને ફોરેન્સિક તપાસ
બનાવની જાણ થતા જ દલિત સમાજના અગ્રણીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરિવારે સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી જવાબદાર ડોક્ટર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. મામલો ઉગ્ર બનતા અને ઘટનાની ગંભીરતા જોતા, સત્ય બહાર લાવવા માટે માતા અને બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. પરિવારનો આક્રોશ છે કે જો ડોક્ટર સમયસર હાજર હોત, તો આજે આ ઘરનો દીવો બુઝાયો ન હોત.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
