તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
ખેડાના લસુંદ્રા ગામની પાટીદાર યુવતી પલકના રબારી યુવક પિયુષ સાથેના પ્રેમલગ્ન કેસમાં નવો વળાંક: પાસ અને એસપીજી દ્વારા યુવતીની હત્યા થઈ હોવાનો સનસનીખેજ આરોપ: ભાવુક વીડિયો દ્વારા રબારી સમાજના આગેવાનો, ખાસ કરીને ઠાકરશી રબારીને પોતાની દીકરી હેમખેમ પરત સોંપવા કરુણ અપીલ
૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગ્યા બાદ દીકરીની હત્યા કરાઈ હોવાનો પાટીદાર નેતાઓનો દાવો; રણછોડ રબારી પર ગંભીર આક્ષેપ, માતા રેણુકાબેન અનિલભાઈ પટેલે હવે પોલીસમાં નોંધાવી ફરિયાદ

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામેથી રબારી યુવક સાથે પ્રેમલગ્ન કરનાર પાટીદાર દીકરી પલકના કેસમાં પાસ અને એસપીજી નેતાઓએ મોટો ધડાકો કર્યો છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે ૨૫ લાખ રૂપિયાની માંગણી પૂરી ન થતા રણછોડ રબારી નામના શખ્સે દીકરીની હત્યા કરી દીધી છે, જેના પગલે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે.
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામની પાટીદાર દીકરી પલક થોડા સમય પહેલાં રબારી સમાજના પિયુષ નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી ઘરેથી જતી રહી હતી. શરૂઆતમાં દીકરીની માતા રેણુકાબેન અનિલભાઈ પટેલે સોશિયલ મીડિયા પર ભાવુક વીડિયો જાહેર કરીને રબારી સમાજના આગેવાનો, ખાસ કરીને ઠાકરશી રબારીને પોતાની દીકરી હેમખેમ પરત સોંપવા કરુણ અપીલ કરી હતી. પરંતુ હવે આ મામલાએ અત્યંત ગંભીર અને ચિંતાજનક વળાંક લીધો છે.
અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) ના નેતાઓ, જેમાં વરુણ પટેલ, દિનેશ બાંભણિયા અને ગૌરાંગ પટેલ સહિતના દિગ્ગજો હાજર હતા, તેમણે દીકરીની માતા સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પાટીદાર નેતાઓએ અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે કે દીકરી હવે જીવિત નથી અને તેની હત્યા કરી દેવામાં આવી છે.
નેતાઓએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે રણછોડ રબારી નામના વ્યક્તિએ દીકરીને પરત સોંપવાના બદલામાં પરિવાર પાસે ૨૫ લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગી હતી. આ રકમ ન ચૂકવી શકવાના કારણે બદલાની ભાવનાથી દીકરીને મોતને ઘાટ ઉતારી દેવાઈ હોવાનો આક્ષેપ છે.
આ મામલે પીડિત માતાએ રડતી આંખે પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં આ કિસ્સો ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.*
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
