<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ભાવનગરના નવાપરામાં મધ્યરાત્રિએ ખેલાયો લોહિયાળ જંગ: જૂની અદાવતમાં બે રાઉન્ડ ફાયરિંગથી પંથકમાં ભારે ફફડાટ

રમઝાન માસની તકરારનો ઈદની રાત્રે કરૂણ અંજામ; પથ્થરમારા બાદ હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ યુવાન પર ગોળીબાર કરતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

ભાવનગર:ગોહિલવાડની ધરતી પર ફરી એકવાર અસામાજિક તત્વોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા છે. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને કેટલાક શખ્સોએ એક યુવાનને નિશાન બનાવી બે રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો મુજબ, રમઝાન માસ દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલીએ ઈદની ઉજવણી ટાણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મોડી રાત્રે શરૂ થયેલો વિવાદ પથ્થરમારા સુધી પહોંચ્યો હતો અને વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં હથિયારધારી શખ્સોએ ફિલ્મી ઢબે હુમલો કરી પંથકમાં દહેશતનો માહોલ પેદા કર્યો હતો.

આ આખી ઘટનાની પૃષ્ઠભૂમિ તપાસતા જાણવા મળ્યું છે કે, ઈદના પર્વ બાદ નવાપરામાં રાજપૂત વાડી નજીક જાહિદ ફારુકભાઈ તેમના મિત્રો સાથે બેઠા હતા, ત્યારે અચાનક ધસી આવેલા 6 જેટલા શખ્સોએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ શખ્સોએ અહીં કેમ બેઠા છો તેમ કહીને ધમકાવ્યા બાદ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ સીધું યુવાન તરફ નિશાન સાધી બીજું રાઉન્ડ ફાયરિંગ કરતા જાહિદે જીવ બચાવવા માટે ત્યાંથી દોટ મૂકી હતી. હુમલાખોરોની આ હિંમત જોઈને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકોના ટોળા એકઠા થતા જ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

બનાવની ગંભીરતાને ધ્યાને લેતા એસ.ઓ.જી., એલ.સી.બી. અને નીલમબાગ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સીટી ડીવાયએસપી આર.આર. સિંધાલના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સ્થળ પરથી પોલીસને જીવંત કારતૂસ અને ખાલી ખોખા મળી આવ્યા છે, જે કબજે કરી એફ.એસ.એલ.ની ટીમની મદદ લેવામાં આવી રહી છે. ભોગ બનનાર જાહિદે કુલદીપ, અલી, રુદ્ર, ફારુક, ચેતન અને ફેઝાન નામના શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

હાલમાં નવાપરા વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રણ હેઠળ છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે જેથી ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તહેવારના માહોલમાં બનેલી આ ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક રહીશોમાં આક્રોશ છે કે જાહેરમાં હથિયારો ઉછાળતા આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસે તમામ સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે અને ટૂંક સમયમાં જ મુખ્ય સૂત્રધારો સલાખો પાછળ હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

(4:03 PM IST)