News of Sunday, 22nd March 2026
સનાતન ધર્મના આપણા ઈષ્ટદેવને ક્યારેય ન ભૂલવા કણિરામજીબાપુનો ભાવિકોને અનુરોધ : ઈશ્વરિયા ગામે ગોહિલ પરિવાર દ્વારા જ્યોતપાઠ અને નવચંડી યજ્ઞ સાથે ભવ્ય ધર્મસભા યોજાઈ
માતા-પિતાની સેવા સાથે નીતિ અને ધર્મ જાળવવો અનિવાર્ય હોવાનું જણાવતા સંતો : નાગરદાસબાપુ, મૈયારામબાપુ અને ભગવતીદાસબાપુ સહિતના મહાનુભાવોની આશિષ ઉપસ્થિતિમાં ૩૩ જ્યોત પાઠ અને ગામધુમાડા બંધ પ્રસાદનો હજારો ભક્તોએ લીધો લાભ

ઈશ્વરિયા:ગોહિલવાડના ઈશ્વરિયા ગામમાં રબારી ગોહિલ પરિવાર દ્વારા ઈષ્ટદેવ વડવાળા દેવની અસીમ આસ્થા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર, ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાયેલા આ મહોત્સવમાં ૩૩ જ્યોત પાઠ, નવચંડી યજ્ઞ અને સંતોના સામૈયા સાથે એક વિશાળ ધર્મસભાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
કર્મ જ સુખ-દુઃખના નિર્ણાયક: કણિરામજીબાપુ
ધર્મસભામાં આશીર્વચન પાઠવતા કણિરામજીબાપુએ સમાજને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો કે સનાતન ધર્મના આપણા ઈષ્ટદેવને ક્યારેય વિસરવા જોઈએ નહીં. તેમણે ઉમેર્યું કે આપણા જીવનના સુખ અને દુઃખ માટે પરમાત્મા જવાબદાર નથી, પરંતુ આપણા પોતાના કર્મો જ નિર્ણાયક હોય છે. માતા-પિતાની સાચી સેવા કરવાની સાથે નીતિ અને ધર્મનું પાલન કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો અને ઈશ્વરિયા ગામની અદભૂત એકતાને બિરદાવી હતી.
સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ પવિત્ર પ્રસંગે નાગરદાસબાપુ, મૈયારામબાપુ, ભગવતીદાસબાપુ, જયકિશનદાસબાપુ અને હરિચરનદાસબાપુ જેવા સંતોએ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં મેહુરભાઈ લવતુકા, અમરશીભાઈ ખાંભલ્યા, ભગવાનભાઈ મકવાણા અને ગોકુળભાઈ આલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી ધર્મ અને સમાજના કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત અશોકભાઈ ઉલવા, રાકેશભાઈ શેલાણા, કમલેશભાઈ ઉલવા, કાળુભાઈ ભીકડિયા, વીરશંગભાઈ સોલંકી અને શંભુભાઈ નાકરાણી જેવા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
સેવા અને સંકલનનો ત્રિવેણી સંગમ:
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મૂકેશ પંડિત અને વિપુલભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભુવા ભરતભાઈ ગોહિલ તથા મેહુરભાઈ ગોહિલના સંકલનથી ૩૩ જ્યોત પાઠ અને નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો. ભોજન વ્યવસ્થા માટે જશુભાઈ ગોહિલ, મેરાભાઈ ગોહિલ અને ઘોહાભાઈ ગોહિલનો સહયોગ સાંપડ્યો હતો, જ્યારે જ્યોત માટે વાલાભાઈ ગોહિલ અને દીકરીઓની પહેરામણી માટે જબરાભાઈ ગોહિલ દ્વારા વિશેષ યોગદાન આપવામાં આવ્યું હતું. ઈશ્વરિયા સહિત રામધરી, કાંટોડિયા, નેસડા, સિહોર, ભાવનગર, સુરત અને ખીજડિયાના ગોહિલ પરિવારના સભ્યોએ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સાંજે ગામધુમાડા બંધ પ્રસાદના લાભ સાથે આ ભક્તિમય મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
