News of Monday, 23rd March 2026
કાલાવડ ભાજપમાં મોટું ગાબડુ : પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અને સહકારી નેતા નાનજીભાઈ ચોવટીયા ‘આપ'માં જોડાયા
ગોપાલ ઇટાલિયાના હસ્તે ખેસ ધારણ કર્યો કેસરીયો છોડી ઝાડુ પકડ્યું

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૩: કાલાવડ પંથકના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપના પીઢ, અનુભવી અને પાટીદાર સમાજના અગ્રણી નેતા નાનજીભાઈ ચોવટીયાએ ભાજપ સાથેનો છેડો ફાડી વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. જામનગરપ્રજુનાગઢ રોડ પર યોજાયેલી ‘આપ'ની જાહેર સભામાં પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા અને પ્રકાશ દોંગાની ઉપસ્થિતિમાં તેઓ પક્ષમાં જોડાયા હતા.
બહોળો રાજકીય અને સહકારી અનુભવ નાનજીભાઈ ચોવટીયા વર્ષ ૧૯૯૪થી ભાજપમાં સક્રિય હતા. તેઓ ૧૯૯૮થી ૨૦૦૫ સુધી કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂકયા છે. આ ઉપરાંત, તેઓ જિલ્લા પંચાયતના સભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂકયા છે. હાલમાં તેઓ વર્ષ ૨૦૦૧થી સતત કાલાવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમની સરળ છબી અને લોકસંપર્કને કારણે પાટીદાર મતદારો પર તેમનું સારું પ્રભુત્વ માનવામાં આવે છે.
નાનજીભાઈ આ પ્રસંગે નાનજીભાઈએ જણાવ્યું હતું કે, લોકોની સેવા અને વિસ્તારના વિકાસ માટે મેં આ નવો રાહ પસંદ કર્યો છે. પારદર્શક શાસન અને જનતાના પાયાના પ્રશ્નો વાચા આપવા માટે હું આમ આદમી પાર્ટીના માધ્યમથી કાર્ય કરીશ.
ભાજપને જાકારો આપવા નેતાઓની હાકલ સભાને સંબોધતા ગોપાલ ઇટાલિયા અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ પ્રકાશ દોંગાએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નાનજીભાઈ જેવા અનુભવી નેતાના જોડાવાથી કાલાવડ સહિત સમગ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની છે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, તાલુકા પ્રમુખ જેરામભાઈ બુશા, શહેર પ્રમુખ રમેશભાઈ વણપરિયા, કે.પી.બથવાર સહિતના અનેક હોદ્દેદારો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
