News of Monday, 23rd March 2026
રૃા. ૧૬૬ કરોડના રાજયવ્યાપી જી.એસ.ટી. બોગસ બિલિંગ કૌભાંડમાં જામનગરના એડવોકેટના જામીન મંજૂર
કલાઈન્ટના ખોટા વ્યવહારો માટે એડવોકેટને જવાબદાર માની શકાય નહીઃ વકીલ અપૂર્વ મહેતાની દલીલો માન્ય રાખતી ગુજરાત હાઇકોર્ટ

રાજકોટ :તા.ર૩,રૃા.૧૬૬ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જામનગરના એડવોકેટ રોહિતકુમાર સંદ્યાણીની સુરત ડી.જી.જી.આઈ. દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ ૧૩૨(૧)(બી) તથા ૧૩૨(૧)(સી) ના ગુન્હા સબબ ધરપકડ થયા બાદ એડવોકેટ દ્વારા જામીન ઉપર મુકત થવા માટે કરેલી અરજીની સુનવણી થતા એડવોકેટને જામીન ઉપર મુકત કરતો હુકમ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ડી.જી.જી.આઈ. સુરત વિભાગને મળેલ ગુપ્ત માહિતીના આધારે આ કામના આરોપી કે જેઓ જામનગર મુકામે એડવોકેટ તરીકે પ્રેકિટસ કરતા હોય અને પ્રોજેકટ ફાયનાન્સ તથા ટેક્ષ કમ્પ્લાયન્સના કાર્ય સાથે સંકળાયેલ હોય તેઓના ઓફિસના સ્થળે તથા તેઓના અસીલોના ધંધાના સ્થળે દરોડા પાડવામાં આવેલ અને સર્ચ-સીઝર ઓપરેશન હાથ ધરવામાં આવેલ. આ સર્ચ ઓપરેશન દરમ્યાન આ કામના આરોપીની ઓફિસમાંથી અનેક વાંધાજનક સાહિત્ય તેમજ આરોપી એડવોકેટનો મોબાઈલ ફોન ડી.જી.જી.આઈ., સુરત વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવેલ. ત્યારબાદ સમન્સ આપી આરોપી એડવોકેટના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. સદ્યન તપાસના અંતે ડી.જી.જી.આઈ. એવા તારણ પર આવેલ કે ઉપરોકત એડવોકેટના અસીલો દ્વારા બોગસ પેઢીઓ રચી રૃા.૧૬૬ કરોડના બોગસ બિલો થકી રૃા.૩૦ કરોડની ખોટી વેરાશાખ મેળવી પાસઓન કરેલ છે. જેની જાણ આરોપી એડવોકેટને હોવા છતાં ઉપરોકત પેઢીઓના એકાઉન્ટિંગ અને જી.એસ.ટી. રિટર્ન ભરવાની પ્રક્રિયા તેઓ દ્વારા હાથ ધરવામાં આવેલ. વધુમાં આરોપી એડવોકેટ દ્વારા ઉપરોકત કામગીરી બદલ કાયદેસરની ફિસ ચાર્જ કરવાને બદલે બોગસ ટર્નઓવરના ૦.૨૦%લેખે કમિશન મેળવવામાં આવેલ. આમ ઉપરોકત આરોપ સબબ આ કામના આરોપી એડવોકેટ રોહિતકુમાર સંદ્યાણીની જી.એસ.ટી. કાયદાની કલમ ૧૩૨(૧)(બી) તથા ૧૩૨(૧)(સી)ના ગુના સબબ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ.
ત્યારબાદ જામીન ઉપર મુકત થવા એડવોકેટ રોહિતકુમાર સંદ્યાણી દ્વારા પોતાના વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ. ઉપરોકત જામીન અરજી ચાલવા ઉપર આવતા અરજદારના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે હાલના કેસમાં તેઓના અસીલ સને ૨૦૧૮ થી જામનગર મુકામે એડવોકેટ તરીકે પ્રેકિટસ કરે છે અને તેઓના કલાયન્ટ દ્વારા કરવામાં આવેલ ખોટા વ્યવહારો માટે તેઓને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે. અસીલ દ્વારા કરવામાં આવેલ કરચોરી માટે તેના એડવોકેટ કે ટેક્ષ કન્સલ્ટન્ટને જવાબદાર ન ઠેરવી શકાય. વધુમાં ફકત અરજદાર અને સહ-આરોપીઓના બળજબરી પૂર્વક લીધેલ નિવેદનોના આધારે અરજદાર એડવોકેટને ફસાવી દેવામાં આવેલ છે. વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત જામીન માટેના ત્રિપલ ટેસ્ટ ટાંકીને તથા કાયદાની જોગવાઈઓ બાબતે તર્કસંગત દલીલો, રજુઆતો કરી અરજદાર એડવોકેટને જામીન ઉપર મુકત કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ. ઉપરોકત અરજીનો ડી.જી.જી.આઈ. સુરત વિભાગ દ્વારા લંબાણપૂર્વકનું સોગંદનામું રજુ કરી સખત વિરોધ કરવામાં આવેલ.
ઉપરોકત બંન્ને પક્ષોની દલીલોના અંતે અરજદાર એડવોકેટ દ્વારા સમગ્ર કૌભાંડમાં મેજર રોલ ભજવેલ ન હોય, ફકત કમ્પ્લાયન્સની કામગીરી કરેલ હોય તથા ગુન્હાની મહતમ સજાની જોગવાઈઓ ધ્યાને લઈ તેમજ બચાવપક્ષની દલીલોને માન્ય રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદાર એડવોકેટને શરતોને આધીન જામીન ઉપર મુકત કરતો હુકમ તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે. ઉપરોકત કેસમાં આરોપી એડવોકેટ વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ. એન. મહેતા તથા જયદીપ એમ. કુકડીયા રોકાયેલા હતા
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
