તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
બોરડા ગામે લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા ચૈત્ર નવરાત્રી નિમિત્તે વિશેષ યજ્ઞ ઉપાસના અને શક્તિ વંદનાનું આયોજન
શ્રી દુધરેજ વડવાળા જગ્યાના મહંત કણિરામજી મહારાજે યજ્ઞમાં આહુતિ આપી આશીર્વચન પાઠવ્યા : સનાતન પરંપરા મુજબ માયાભાઈ આહિર પરિવાર દ્વારા ભક્તિસભર માહોલમાં અનુષ્ઠાન

ઈશ્વરિયા:સનાતન ધર્મની પરંપરામાં ચૈત્ર માસની નવરાત્રીનું અનેરું આધ્યાત્મિક મહાત્મ્ય રહેલું છે. આ પવિત્ર અવસરે ભાવનગર જિલ્લાના બોરડા ગામે જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા યજ્ઞ ઉપાસના અને અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લોકસાહિત્ય દ્વારા સંસ્કૃતિનું જતન કરનારા માયાભાઈ આહિર દર વર્ષે શ્રાવણ માસમાં શિવ ઉપાસના અને મૌન અનુષ્ઠાન કરતા હોય છે, જે પરંપરા મુજબ આ વર્ષે ચૈત્ર નવરાત્રીમાં પણ તેઓ શક્તિની આરાધનામાં લીન થયા છે.
મહંત કણિરામજી મહારાજની પધરામણી:
આ યજ્ઞ ઉપાસના દરમિયાન બોરડા ગામે શ્રી વડવાળા જગ્યા દુધરેજના મહંત કણિરામજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કણિરામજી મહારાજે યજ્ઞકુંડમાં આહુતિ અર્પણ કરી લોકકલ્યાણની મંગલ કામના કરી હતી. સાધુ-સંતોના આગમનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. માયાભાઈ આહિર અને તેમના પરિવાર દ્વારા મહંતનું ઉમળકાભેર ભાવભીનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
ભક્તિ અને પરંપરાનો સંગમ:
ચૈત્ર નવરાત્રી દરમિયાન માયાભાઈ આહિર દ્વારા કરવામાં આવી રહેલી આ યજ્ઞ ઉપાસનામાં આજુબાજુના વિસ્તારના શ્રદ્ધાળુઓ પણ દર્શનનો લાભ લઈ રહ્યા છે. લોકસાહિત્ય ક્ષેત્રે મોટું નામ ધરાવતા કલાકારની આ ધર્મનિષ્ઠા જોઈને સમાજમાં પણ ભક્તિનો સંદેશ પ્રસરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, માયાભાઈ આહિર કલાની સાથે સાથે આધ્યાત્મિક માર્ગે પણ એટલા જ સક્રિય રહીને સનાતન પરંપરાઓને જીવંત રાખી રહ્યા છે. સોમવાર ૨૩ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાયેલા આ ધાર્મિક પ્રસંગમાં અનેક ભાવિકોએ યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
