<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

'ગ્રીનમેન' વિજયભાઈ ડોબરીયાએ ટીંબી સ્થિત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની મુલાકાત લીધી

૧૫ કરોડ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ પૂર્ણ કરનાર પર્યાવરણપ્રેમીનું હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું

ટીંબી :ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ખાતે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની તાજેતરમાં રાજકોટના જાણીતા સેવાભાવી અને પર્યાવરણ ક્ષેત્રે 'ગ્રીનમેન' તરીકે ઓળખાતા વિજયભાઈ ડોબરીયાએ મુલાકાત લીધી હતી. તેઓની સાથે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના સલાહકાર મિતલભાઈ ખેતાણી પણ આ મુલાકાતમાં જોડાયા હતા.

પર્યાવરણ અને માનવસેવાનો સંગમ:
વિજયભાઈ ડોબરીયા, જેઓ રાજકોટ સ્થિત સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ અને વહીવટકર્તા છે, તેઓએ પર્યાવરણ જાળવણી માટે ૧૫ કરોડ વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવાનો ભગીરથ સંકલ્પ કર્યો હતો, જે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ ઉપરાંત, માવતરોની સેવા કાજે રાજકોટ ખાતે ૫૦૦ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક સુવિધાયુક્ત વૃદ્ધાશ્રમનું નિર્માણ પણ તેમના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટીઓ દ્વારા સન્માન:
તારીખ ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ આયોજિત આ મુલાકાત દરમિયાન નિર્દોષાનંદજી હોસ્પિટલના ટ્રસ્ટી નટુભાઈ રાજપરા અને બી.એલ. રાજપરાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓ નિહાળ્યા બાદ, સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા વિજયભાઈ ડોબરીયાને 'મોમેન્ટો' અર્પણ કરીને તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, જે નિઃસ્વાર્થ ભાવે દર્દીઓની સેવા કરી રહી છે, તેમાં પર્યાવરણના જતન અને સામાજિક સેવાનો ભેખ ધરનાર આવા અગ્રણીઓની મુલાકાતથી હોસ્પિટલ પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

(7:56 PM IST)