News of Monday, 23rd March 2026
જૂનાગઢના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો લાગી : પેટ્રોલ પંપના માલિકે જનતાને હૈયાધારણા આપી
પેટ્રોલ પૂર્ણ થઈ જશે તેવા ડરથી લોકો એકાએક પંપો પર ધસી આવ્યા જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ

જૂનાગઢમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયામાં ફેલાયેલા ભ્રામક મેસેજને કારણે આજે જૂનાગઢના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને શહેરના મુખ્ય ગણાતા કાળવા ચોક વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપો પર લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો
પેટ્રોલ પૂર્ણ થઈ જશે તેવા ડરથી લોકો એકાએક પંપો પર ધસી આવ્યા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. જોકે, વાસ્તવમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં લોકોમાં ફેલાયેલો ભય પેનિક બાયિંગમાં ફેરવાયો છે. સ્થિતિને થાળે પાડવા માટે એચ.પી. (HP) પેટ્રોલ પંપના માલિકે આગળ આવીને જનતાને હૈયાધારણા આપી છે.
પંપ માલિકના જણાવ્યા અનુસાર, અત્યારે પંપ પર ૧૭,૦૦૦ લિટર પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઈન નિયમિત રીતે કાર્યરત છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે, "પેટ્રોલની કોઈ અછત નથી, લોકો ખોટી અફવાઓથી દૂર રહે, શાંતિ જાળવે અને વહીવટી તંત્રને સહયોગ આપે." ખોટા ડરને કારણે જરૂરિયાત કરતા વધુ પેટ્રોલ ભરાવવાથી બચવા માટે પણ સમજાવવામાં આવ્યા છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
