News of Tuesday, 24th March 2026
ભાવનગરથી બૂલેટ ખરીદી એમપી જતી વખતે નાની મોલડી પાસે અકસ્માતઃ યુવાનનું મોત
૨૨ વર્ષના આયુષે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ સાથેના મિત્ર સુરજનો ચમત્કારીક બચાવ

રાજકોટ તા. ૨૪: ચોટીલાના નાની મોલડી પાસે વહેલી સવારે બૂલેટ ડિવાઇડરમાં અથડાઇ જતાં ચાલક મધ્યપ્રદેશના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. જ્યારે તેની સાથેના તેના મિત્રનો ચમત્કારીક બચાવ થયો છે. બંને મિત્રો ઉજ્જૈનથી ભાવનગર આવ્યા હતાં અને અહિથી સેકન્ડ હેન્ડ બૂલેટ ખરીદી પરત જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશ રહેતો આયુષ વેસતાભાઇ ચંગળ (ઉ.વ.૨૨) નામનો યુવાન ગઇકાલે પોતાના મિત્ર સૂરજ ફત્તુભાઇ જમરા (ઉ.વ.૨૨)ને સાથે લઇ ઉજ્જૈનથી ભાવનગર આવ્યો હતો. આયુષને સેકન્ડ હેન્ડ બૂલેટ ખરીદ કરવું હોઇ કોઇ મિત્ર પાસેથી માહિતી મેળવી બંને ભાવનગર આવ્યા હતાં. અહિથી એક બ્રોકર પાસેથી ૧ લાખ ૩૫ હજારમાં બૂલેટની ખરીદી કરી હતી. બાદમાં બંને બૂલેટ પર બેસીને ઉજ્જૈન જવા રવાના થયા હતા.
દરમિયાન સવારે પાંચેક વાગ્યે ચોટીલાના નાની મોલડી પાસે પહોંચ્યા ત્યારે ચાલક આયુષે કોઇપણ કારણોસર કાબુ ગુમાવતાં બૂલેટ રોડ ડિવાઇડરમાં અથડાઇને સ્લીપ થઇ ઉછળીને સામેના રોડ પર જતું રહ્યું હતું. આ અકસ્માતમાં આયુષને ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે મિત્ર સુરજનો ચમત્કારીક બચાવ થયો હતો. તેણે ૧૦૮ બોલાવી આયુષને સારવાર માટે ચોટીલા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ ટુંકી સારવારને અંતે આયુષે દમ તોડી દીધો હતો.
મૃત્યુ પામનાર આયુષ બે બહેન અને ત્રણ ભાઇમાં મોટો હતો. તે ખેત મજુરી કરતો હતો. સંતાનમાં એક દિકરો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં નાની મોલડી પોલીસે કાર્યવાહી કરી હતી.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
