<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

થાનગઢના સોનગઢ ગામે દીપડાનો આતંક ૧૫ દિ'માં ૮ થી વધુ મારણ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૪: થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાએ ભારે ફાળકાટ મચાવ્‍યો છે. વન્‍ય જીવના આતંકને કારણે સ્‍થાનિક ગ્રામજનો અને માલધારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા સોનગઢ ગામની સીમમાં દિપડો દેખાયો હતો અને ગ્રામજનો દ્વારા આ મુદ્દે વિડીયોગ્રાફી કરી અને ફોરેસ્‍ટ વિભાગની ટીમને પણ આપવામાં આવી હતી તે છતાં પણ હજુ સુધી ફોરેસ્‍ટ વિભાગની ટીમ છે તે દીપડાને પકડી નથી   જેને લઇને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાત્રી દરમિયાન દિપડો માલ ઢોરના વાડામાં પ્રવેશ કરી અને માલ ઢોરને નુકસાન પહોંચાડી રહ્યો છે અને માલ ઢોરના શિકાર પણ કરી રહ્યો છે ત્‍યારે આવા હિંસક દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી માંગ હવે માલધારી સમાજના લોકો દ્વારા પણ કરવામાં આવી છે એક બાજુ વિપરીત પરિસ્‍થિતિમાં માલ ઢોર સાચવી અને માલધારીઓ બેઠા છે ત્‍યારે તેમના માલ ઢોરને દીપડા દ્વારા વ્‍યાપક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

દીપડાએ છેલ્લા પખવાડિયામાં ૮ થી વધુ પશુઓનો શિકાર કર્યો છે. આજે વહેલી સવારે પણ અંદાજે ૪ વાગ્‍યાની આસપાસ એક બકરીનું મારણ કરતા ગ્રામજનોમાં ડર ફેલાયો છે.

વન વિભાગના અધિકારીઓએ તાત્‍કાલિક સ્‍થળની મુલાકાત લીધી હતી અને દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે.

(11:34 AM IST)