<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઇનો

અફવાનું બજાર ગરમઃ તંત્ર દ્વારા યોગ્‍ય નિર્ણય કરવા વાહનચાલકોની માંગણી

પ્રથમ તસ્‍વીરાં ગોંડલ બીજી તસ્‍વીરમાં મોરબીમાં વાહન ચાલકો નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી(ગોંડલ), પ્રવિણ વ્‍યાસ (મોરબી) 

રાજકોટ, તા. ર૪: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલ બપોરથી પેટ્રોલ-ડિઝલની તંગીની અફવા વચ્‍ચે વાહન ચાલકોની પેટ્રોલ પંપ ઉપર લાઇનો યથાવત છે આજે સવારે પણ પેટ્રોલ ભરાવવા માટે વાહન ચાલકોએ લાઇનો લગાવી છે ત્‍યારે તંત્ર દ્વારા યોગ્‍ય નિર્ણય લેવાય તેવી માંગ થઇ રહી છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ માં સાંજે શહેર નાં તમામ પેટ્રોલ પંપ માં સ્‍ટોક ખાલી હોવાની તૈયારી છે.તથા હવે ઇરાન ઇઝરાયેલ નાં યુધ્‍ધ ને કારણે પેટ્રોલ મળવાની શકયતા નહીવત હોવાની અફવા ફેલાતા શહેર નાં પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ ભરાવવા વાહનચાલકોની લાંબી કતારો લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લોકો પેટ્રોલ ની અછત માની વાહનો માં ફુલ ટાંકી કરાવવા ની ફીરાક માં લાગ્‍યાં હતાં.

પરિસ્‍થિતિ બગડે તે પહેલા સામાજિક અગ્રણી અને પત્રકાર જીતુભાઇ આચાર્ય એ   પ્રાંત અધિકારી રાહુલ ગમારાને પરિસ્‍થિતિ  અંગે જાણ  કરતા  તેમણે આ વાત માત્ર અફવા હોવાનું અને જીલ્લા તંત્ર  સંભવિત અછત ને પંહોચી વળવા સક્ષમ હોય લોકોએ ગભરાવું નહી તેવું જણાવ્‍યું હતું.દરમિયાન જીલ્લા કલેક્‍ટર દ્વારા એક વિડીયો વાયરલ કરી પેટ્રોલ ખલાસ થયાની અફવાનું ખંડન કર્યુ હતુ.તથા પુરતો સ્‍ટોક હોવાની ધરપત આપી હતી. બાદમાં લોકોનાં ヘાસ હેઠા બેઠા હતાં.તેમ છતા મોટા ભાગનાં લોકોએ પોતાનાં વાહનોની ટાંકી ફુલ કરાવી લીધી હતી.

જસદણ

(હુસામુદ્દીન કપાસી દ્વારા)  જસદણ  :  પેટ્રોલ ડીઝલ હવે નહી મળે આવી અફવા વચ્‍ચે પેટ્રોલ પંપ પર લાઈન લાગી ગઈ છે પણ આવી અફવાઓથી દૂર રહેવા જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ નાગરિકોને ખાસ અપીલ કરી છે તેમણે જણાવ્‍યું હતું કે હાલ યુદ્ધની પરિસ્‍થિતિ છે સ્‍વાભાવિક છે કે તેની અસર વિશ્વમાં થાય આપણે પણ થઈ શકે છે ત્‍યારે ગેસ પેટ્રોલ ડીઝલ જેવું ઇંધણ પર બ્રેક લાગે પણ અફવાને પગલે જો નાગરિકો દ્વારા અફડાતફડી મચે તો કોઈ કારણ વગર રૂટિન પ્રક્રિયાની ચેન તૂટી જાય લોકોને પૂરતું ઇંધણ મળે તે માટે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર સતત પ્રયત્‍નશીલ છે માટે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાલીએ તો દરેકને પૂરવઠો આસાનીથી મળી શકે આ માટે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની ગાઈડ લાઈન મુજબ અનુસરીએ.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : મોરબી શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવા ફેલાતા મોટી સંખ્‍યામાં લોકો ઈંધણ ભરાવવા માટે દોડી રહ્યા છે. શહેરના રવાપર રોડ પર ગાંધી ચોક પાસે આવેલા પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જ્‍યારે અવની ચોકડીથી ઉમિયા સર્કલ તરફ જવાના રસ્‍તે આવેલો પેટ્રોલ પંપ મેન્‍ટેનન્‍સના કારણે છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. આ ઉપરાંત બાયપાસ પાસેના પેટ્રોલ પંપ પર પણ લાંબી કતારો જોવા મળી રહી છે.

બીજી તરફ, નવા બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલા છોટાલાલ પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ ખૂટી ગયા હોવાનું સામે આવ્‍યું છે, જ્‍યાં માત્ર ૨૦ થી ૨૫ વાહન પૂરતું જ પેટ્રોલ હોવાથી પંપ બંધ કરવામાં આવ્‍યો છે.

સામાકાંઠે રાજપર ચોકડી પાસેના પંપના માલિકોના જણાવ્‍યા અનુસાર, તેમણે શુક્રવારે પેટ્રોલ-ડીઝલનો ઓર્ડર આપ્‍યો હતો છતાં હજુ સુધી ટેન્‍કર ન આવતા ત્‍યાં પણ જથ્‍થો ખૂટી ગયો છે. મોરબી શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર ઈંધણ ભરાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે.

પેટ્રોલ પંપો પરની આ પરિસ્‍થિતિ અંગે મોરબીના કલેક્‍ટરે સ્‍પષ્ટતા કરી છે કે મોરબી જિલ્લા, સમગ્ર રાજ્‍ય કે દેશમાં કયાંય પણ પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી. એકસાથે ઘણા બધા લોકો પેટ્રોલ ભરાવવા પહોંચી જતા આ સ્‍થિતિ સર્જાઈ છે. જો ૫૦૦ વાહનો એકસાથે ઇંધણ ભરાવવા જાય, તો ૬ કલાકનો જથ્‍થો એક કલાકમાં પૂરો થઈ જાય છે, જેના કારણે પંપ પર જથ્‍થો ખાલી થઈ જાય છે. તેમણે ખાતરી આપી છે કે જો કોઈ પંપ પર જથ્‍થો ખલાસ થઈ ગયો હશે, તો ૧૫ થી ૨૦ મિનિટ કે અડધા કલાકમાં નવું ટેન્‍કર પહોંચી જશે અને લોકોને ઈંધણ મળી જશે. ઈન્‍ડિયન ઓઇલ સહિતની તમામ સરકારી અને ખાનગી કંપનીઓના જિલ્લા અને રાજ્‍ય કક્ષાના વડાઓ સાથે વાતચીત થઈ ચૂકી છે અને દરેક પાસે પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ છે.

(11:41 AM IST)