<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ચામુંડા માતાજીની પાવનભૂમિ ચોટીલા ડુંગર પારંપરિક પરિક્રમા પથ પર ‘વરૂણ સ્‍મૃતિ'નું લોકાર્પણ

માત્ર ૨૫ વર્ષની યુવા વયે અણધારી વિદાય લેનાર પોતાના વ્‍હાલા પુત્ર સ્‍વ. વરૂણભાઈ ઠક્કરની પુણ્‍યસ્‍મૃતિમાં દિલ્‍હી નિવાસી બ્રીજભાઈ ઠક્કર દ્વારા વિવિધ પ્રકારના ૨૧૦૦ જેટલાં વૃક્ષોનું ‘વરૂણ વન' તથા ‘વરૂણ વન પ્રવેશ દ્વાર'નું નિર્માણ કરવામાં આવ્‍યું : ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જી.એ.એસ.), અભિનેતા-શિલ્‍પકાર મયુરભાઈ વાકાણી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, બ્રીજભાઈ ઠક્કર પરિવારની વિશેષ ઉપસ્‍થિતિ

રાજકોટ તા.૨૪: ચામુંડા માતાજીની પાવનભૂમિ ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર) સ્‍થિત ચોટીલા ડુંગર પારંપરિક પરિક્‍ર્‌મા પથ પર વરૂણ સ્‍મૃતિનું લોકાર્પણ કરવામાં આવ્‍યું છે. માત્ર ૨૫ વર્ષની યુવા વયે અણધારી વિદાય લેનાર પોતાના વ્‍હાલા પુત્ર સ્‍વ. વરૂણભાઈ ઠક્કર (કક્કડ)ની પુણ્‍યસ્‍મૃતિમાં દિલ્‍હી નિવાસી (મૂળ વતન મોરબી જિલ્‍લાનું ટંકારા) સેવાભાવી, પર્યાવરણ-પ્રેમી બ્રીજભાઈ મનુભાઈ ઠક્કર દ્વારા વિવિધ પ્રકારના ૨૧૦૦ જેટલાં વૃક્ષોનું વરૂણ વન તથા વરૂણ વન પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. વરૂણ સ્‍મૃતિના નિર્માણ પછી આ વર્ષે હજારોની સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓએ ચૈત્રી નવરાત્રીના પ્રથમ રવિવારે પરિક્રમામાં હોંશભેર ભાગ લીધો હતો.

ચોટીલાના સંનિષ્ઠ, ન્‍યાયપ્રિય અને નીડર નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જી.એ.એસ.), રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ખ્‍યાતનામ અભિનેતા અને શિલ્‍પકાર મયુરભાઈ વાકાણી (તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા ટેલિવિઝન સિરિયલના સુંદરલાલ), શિલ્‍પકાર હેમાલીબેન વાકાણી, સ્‍વ. વરૂણભાઈ ઠક્કર પરિવારના બ્રીજભાઈ (પિતા), મીનાબેન (માતા), વિકીભાઈ (ભાઈ), વિનીબેન (ભાભી), કવીર અને મિહિર (ભત્રીજાઓ), ભારતીબેન હાલાણી (મામી), મિત્તલબેન ગોંડલીયા અને માનસીબેન કોટક (મામાની દિકરીઓ),  વિપુલભાઈ જોબનપુત્રા (વેવાઈ), રાજવી પરિવારના છત્રજીતસિહ ખાચર, શિક્ષણ જગતમાંથી શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટના કિરીટસિહ રહેવર (મામા), મહિપતસિહ વાઘેલા, ઉગ્રસેનસિહ ગોહિલ અને પ્રકાશભાઈ પરમાર, રાજેશભાઈ અને ગીતાબેન ઠક્કર, પરેશભાઈ અને પૂનમબેન કારીયા, હેમેન્‍દ્રભાઈ અને હેતલબેન કોટક, પરેશભાઈ અને રશ્‍મીબેન સાતા, મિતેશભાઈ અને મીતાબેન સાતા, સુરેશભાઈ ધરજીયા, ચિરાગભાઈ કોટક, અતુલભાઈ કોટકની આ અવસરે વિશેષ ઉપસ્‍થિતિ હતી. શાળાના વિદ્યાર્થીઓની મોટી સંખ્‍યામાં હાજરી હતી. ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જી.એ.એસ.)એ મયુરભાઈ વાકાણી અને બ્રીજભાઈ ઠક્કરનું અભિવાદન કર્યું હતું.

 ૦૧ જૂન ૧૯૯૫ના રોજ રાજકોટ ખાતે જન્‍મેલા, માઙ્ખ ચામુંડા પ્રત્‍યે અપાર શ્રધ્‍ધા ધરાવનાર, સેવાભાવી, પર્યાવરણ-પ્રેમી, યુવા વયે શૈક્ષણિક, રમતગમત, વ્‍યવસાયિક અને સામાજિક ક્ષેત્રે અનેક વિશિષ્ટ સોપાન સર કરનાર સ્‍વ. વરૂણભાઈ ઠક્કરનું ૩૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ દિલ્‍હી ખાતે દુઃખદ નિધન થયું હતું.

વર્ષ ૨૦૨૨માં સ્‍વ. વરૂણભાઈ ઠક્કરને લોહાણા મહાપરિષદ દ્વારા મરણોત્તર શ્રેષ્ઠ રઘુવંશી યુવા પ્રતિભા એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. સ્‍વ. વરૂણભાઈ ઠક્કરની પુણ્‍યસ્‍મૃતિમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય પારિતોષિક Varun Thakkar Memorial Award for Excellence પણ એનાયત કરવામાં આવે છે. જેણે જીવી જાણ્‍યું એવા મુઠ્ઠી ઊંચેરા સ્‍વ. વરૂણભાઈ બ્રીજભાઈ ઠક્કર (કક્‍ક્‍ડ) ક્‍યારેય વિસરાશે નહીં. સદાય અજરામર રહેશે. 

આલેખન
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન-મો. ૯૮૨૫૦૨૧૨૭૯

 

(1:46 PM IST)