<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

જામનગરમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓના જૂથ વચ્ચેની અદાવતમાં થયેલા ફાયરિંગના ગુનામાં LCB એ 6 આરોપીને ઝડપી પાડ્યા

જેલમાં ઘડાયેલા આ કાવતરામાં પોલીસે બે પિસ્તોલ અને બે કાર કબજે કરી: સિક્કા પોલીસ દ્વારા વધુ તપાસનો ધમધમાટ

  જામનગર:શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી રાજકીય અદાવતે હિંસક વળાંક લીધો હતો. મહાનગરપાલિકાના બે પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચેની જૂની દુશ્મનાવટમાં થયેલા ફાયરિંગના કેસમાં LCB એ મોટી સફળતા મેળવી છે.  અસલમ ખિલજીના ભત્રીજાની થાર રોકી અલ્તાફના સાગરીતો માર મારી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.  પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા 6 મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી દેશી પિસ્તોલ અને વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

જામનગરના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજી અને અન્ય પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીના જૂથ વચ્ચે લાંબા સમયથી દુશ્મનાવટ ચાલી રહી છે. આ રંજીશનો બદલો લેવા માટે જેલમાં સજા કાપી રહેલા અલ્તાફ ખફીએ અન્ય સાગરીતો સાથે મળીને જેલના સળિયા પાછળથી જ આ હુમલાનું આયોજન કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

 

 

મળતી જાણકારી અનુસાર ગત રાત્રે પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજીનો ભત્રીજો પોતાની થાર કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓએ રસ્તો રોકીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ બે યુવાનોને જીવલેણ માર માર્યો હતો અને દહેશત ફેલાવવા માટે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અસલમ ખિલજીના ભત્રીજાને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો  હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તુરંત જ હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ અને રાયોટિંગ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

 

જામનગર LCB ના પી.આઈ. અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે 6 આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસે મોસીન ઉર્ફે મુસો, હમીદ ઉર્ફે રાંઝો, તબરેજ હાલાણી, નુરમામદ સિદીકી, તોહીદખાન ઉર્ફે પપ્પુ અને વિજય ઉર્ફે ગોનોની ધરપકડ કરી છે. તેમની પાસેથી બે દેશી પિસ્તોલ, કાર અને અન્ય ઘાતક હથિયારો મળી આવ્યા છે.

 

પોલીસે પકડાયેલા તમામ 6 આરોપીઓનો કબજો સિક્કા પોલીસને સોંપ્યો છે. પોલીસ હવે આ શખ્સોના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે, જેથી હથિયારો ક્યાંથી આવ્યા અને અન્ય કોની સંડોવણી છે તે જાણી શકાય. આ કેસમાં હજુ પણ અલ્તાફ ખફી, અનવર ખફી, મુખ્યાત ઉર્ફે ટોપી, મહેબુબ ખફી, હનીફ ખફી અને હુસેન ખફી ફરાર છે, જેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે

(11:52 PM IST)