News of Wednesday, 25th March 2026
ભાવનગરમાં મ્યુલ બેન્ક એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડની રકમ હેરાફેરી કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫: ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા 'ઓપરેશન મ્યુલ હંટ' અંતર્ગત પોલીસે આઠ મુખ્ય સૂત્રધારો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
૧૩૪ બેંક એકાઉન્ટ્સ દ્વારા ૨૧ કરોડથી વધુના ટ્રાન્જેકશન
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ એક સુનિયોજિત કાવતરું રચીને નિર્દોષ લોકોના નામે કુલ ૧૩૪ મ્યુલ એકાઉન્ટ્સ (ફ્રોડ માટે વપરાતા ભાડાના ખાતા) ખોલાવ્યા હતા. આ ખાતાઓમાં અત્યાર સુધીમાં રૂપિયા ૨૧,૩૭,૨૨,૧૯૭/- થી પણ વધુ રકમનું શંકાસ્પદ ટ્રાન્જેકશન થયું હોવાનું સામે આવ્યું છે. નેશનલ સાયબર ક્રાઈમ રિર્પોટિંગ પોર્ટલ (NCCRP) પર નોંધાયેલી ૨૭૨ ફરિયાદોમાં આ આંકડો અંદાજે ૮.૧૧ કરોડ રૂપિયા સુધીનો જોવા મળ્યો છે.
મોડસ ઓપરેન્ડીઃ કમિશનની લાલચ આપી કીટ પડાવી લેતા
આરોપીઓ ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને ૧૦ થી ૨૦ હજાર રૂપિયાના કમિશન અથવા ભાડાની લાલચ આપી તેમના નામે બેંકમાં ખાતા ખોલાવતા હતા. ત્યારબાદ તે ખાતાની ચેકબુક, એટીએમ કાર્ડ અને લિંક કરેલા સિમ કાર્ડની 'કીટ' પોતાની પાસે રાખી લેતા. સાયબર ફ્રોડ દ્વારા ચોરી કરેલા નાણાં આ ખાતાઓમાં જમા કરાવી, આરોપીઓ આંગડિયા પેઢી અથવા ક્રિપ્ટો કરન્સી મારફતે નાણાં સગેવગે કરી દેતા હતા.
પોલીસે આ કેસમાં ભાવનગર અને સુરત સાથે કનેકશન ધરાવતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં દશરથભાઈ રામજીભાઈ ધાંધલ્યા (સુરત/ભાવનગર) , આર્યન ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા, શૈલેષ ઉર્ફે ભુરો હીરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિંદભાઈ ગોહેલ , શાફીનભાઈ અને માહીન (યુનુસભાઈ કુરેશીના પુત્રો) મિહિર ભગવાનભાઈ સરવૈયા અને અમન ઈસુફભાઈ ઓફથાનીનો સમાવેશ થાય છે.
ભાવનગરના બોરતળાવ પોલીસ ઇન્સ્પેકટર એચ.બી. ચૌહાણ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર નેટવર્ક ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન કાર્યરત હોવાનું જણાયું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૭(૨), ૩૧૭(૪) અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
