<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

અમરેલીના સરંભડાના નર્સિંગ કર્મચારી રૂષીલ દાફડાનું વાહન અકસ્‍માતમાં મોત

રવિવારે અમરેલી ફરવા ગયો હતો ત્‍યાંથી પરત આવતાં વાંકીયા પાસે બનાવઃ રાજકોટમાં મૃત્‍યુઃ કોઇ વાહનની ઠોકરે બાઇક ચડયું કે સ્‍લીપ થયો તે અંગે તપાસ

રાજકોટ તા. ૨૫: અમરેલીના સરંભડા ગામે રહેતાં અને અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં કોન્‍ટ્રાકટ બેઝ પર નર્સિંગ કર્મચારી તરીકે નોકરી કરતાં રૂષિલ ભીખુભાઇ દાફડા (ઉ.વ.૨૫) નામના યુવાનનું નજીકના વાંકીયા ગામ પાસે વાહન અકસ્‍માતમાં મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ સરંભડા રહેતો રૂષિલ તા. ૧૬ના રાતે બે વાગ્‍યા આસપાસ અમરેલીથી બાઈક હંકારી ઘરે આવતો હતો ત્‍યારે રસ્‍તામાં વાંકીયા પાસે અકસ્‍માત નડતાં ગંભીર ઇજા થઇ હતી. તેને અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. અહિ આજે સવારે મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે અમરેલી તાલુકા પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર રૂષિલ ત્રણ બહેન અને બે ભાઇમાં નાનો હતો અને અમરેલી હોસ્‍પિટલમાં નર્સિંગ કર્મચારી તરીકે નોકરી કરતો હતો. તેના પિતા છુટક સેન્‍ટીંગ કામની મજૂરી કરે છે. સગાના કહેવા મુજબ રૂષિલ ગયા રવિવારે નોકરીમાં રજા હોઇ બાઇક લઇ અમરેલી ફરવા ગયો હતો. રાતે પરત આવતી વખતે રસ્‍તામાં કોઇ વાહનની ઠોકરે ચડી જતાં અથવા સ્‍લીપ થઇ જતાં ઇજાઓ થઇ હતી. અમરેલી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવાન અને આશાસ્‍પદ દિકરાના મૃત્‍યુથી પરિવારમાં કલ્‍પાંત છવાયો છે

(1:35 PM IST)