News of Thursday, 26th March 2026
ભુજમાં આયોજિત ભવ્ય સમારોહમાં જૂનાગઢના પ્રતિભાવંત શિક્ષિકા મીરા વૈષ્ણવને 'સ્વયંસિદ્ધા સન્માન' એનાયત : નારી શક્તિનું ગૌરવ ગુંજ્યું
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રની ૫૧ તેજસ્વી મહિલાઓનું કરાયું બહુમાન : શિક્ષણ, વિજ્ઞાન અને પર્યાવરણ ક્ષેત્રે મીરા વૈષ્ણવની નિષ્ઠાપૂર્વકની કામગીરીની વિશેષ નોંધ લેવાઈ

ઈશ્વરિયા:કચ્છના ભુજ શહેર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના શિક્ષણ જગતનું ગૌરવ વધારતા પ્રતિભાવંત શિક્ષિકા મીરા સતિષભાઈ વૈષ્ણવને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ 'સ્વયંસિદ્ધા સન્માન' આપીને નવાજવામાં આવ્યા હતા. આ સમારોહમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પોતપોતાના ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરનાર કુલ ૫૧ મહિલા શક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન:
જૂનાગઢના મીરા વૈષ્ણવ માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ વિજ્ઞાન, પર્યાવરણ અને આરોગ્ય જેવા મહત્વના ક્ષેત્રોમાં પણ લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. તેમના આ વિશેષ કૌશલ્ય અને સમાજલક્ષી પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને ૧૫ માર્ચના રોજ ભુજમાં યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. તેમની આ સિદ્ધિથી જૂનાગઢ જિલ્લાના શૈક્ષણિક આલમમાં ખુશીની લહેર જોવા મળી છે.
નારી શક્તિને પ્રોત્સાહન:
કાર્યક્રમ દરમિયાન રૂપાલી મોરબિયા, મમતાબેન ભટ્ટ અને અર્ચના ગાંધીએ ઉપસ્થિત રહીને મહિલા સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. મહાનુભાવોએ જણાવ્યું હતું કે, વિશ્વફલક પર કાર્ય કરતી દરેક નારી શક્તિમાં અપાર ક્ષમતાઓ રહેલી છે અને આવી પ્રતિભાઓને ઉજાગર કરવી એ સમાજની જવાબદારી છે. ૫૧ મહિલાઓના સન્માન દ્વારા સમાજમાં નારી શક્તિની પ્રેરણાત્મક ભૂમિકાને બિરદાવવામાં આવી હતી.
આ ભવ્ય આયોજન દ્વારા મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને વેગ આપવાનો અને તેમને વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
