News of Thursday, 26th March 2026
કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગની ઐતિહાસિક સિદ્ધિ :ઘઉંની ગુણવત્તા ચકાસવાની ‘રેપિડ ટેસ્ટ’ પદ્ધતિ વિકસાવી : કેન્દ્રે આપી પેટન્ટ
એનાલિટિકલ કેમિસ્ટ્રીના તેજસ્વી વિદ્યાર્થીઓ કૌશિકી બેનર્જી અને જય જોશીએ એસોસિયેટ પ્રોફેસર ડૉ. વિજય રામના કુશળ માર્ગદર્શન હેઠળ આ ટેકનોલોજી વિકસાવી

કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગે કૃષિ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા ઘઉંની ગુણવત્તા ચકાસવાની ‘રેપિડ ટેસ્ટ’ પદ્ધતિ માટે કેન્દ્ર સરકાર પાસેથી 20 વર્ષના મજબૂત ગાળા માટે પેટન્ટ મેળવી છે. એનાલિટિકલ કેમિસ્ટ્રીના તેજસ્વી વિદ્યાર્થીઓ કૌશિકી બેનર્જી અને જય જોશીએ એસોસિયેટ પ્રોફેસર ડૉ. વિજય રામના કુશળ માર્ગદર્શન હેઠળ આ ટેકનોલોજી વિકસાવી છે, જે ભારત સરકારના પેટન્ટ એક્ટ 1970 હેઠળ સુરક્ષિત કરવામાં આવી છે. આ સંશોધનની પાયાની શરૂઆત વર્ષ 2021માં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા આયોજિત નેશનલ ચેલેન્જ દરમિયાન થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અનાજ સંગ્રહની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સચોટ બનાવવાનો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવતર પ્રયોગને બિરદાવતા યુનિવર્સિટીની ટીમને અભિનંદન પાઠવ્યા છે. વર્તમાનમાં FCI પાસે દેશભરમાં અંદાજે 2500 જેટલા ગોડાઉનો કાર્યરત છે, જ્યાં લાખો ટન ઘઉંનો સંગ્રહ કરવામાં આવે છે. પરંપરાગત લેબોરેટરી પરીક્ષણોમાં લાગતા લાંબા સમય સામે આ નવી પદ્ધતિ અત્યંત ઝડપી અને સચોટ પરિણામો આપશે, જેનાથી સરકારી અન્ન ભંડારમાં રહેલા જથ્થાની ગુણવત્તા પર સતત દેખરેખ રાખી શકાશે. આ આવિષ્કાર માત્ર બગાડ અટકાવવામાં જ નહીં, પરંતુ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા સામાન્ય નાગરિકો સુધી પૌષ્ટિક આહાર પહોંચાડવામાં પણ ગેમ-ચેન્જર સાબિત થશે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
