<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ચૈત્રી નવરાત્રિનાં તહેવારની આઠમ નિમિત્તે વાગડ વિસ્તારમાં રવેચી અને મોમાઈ માતાજીનાં મંદિરે ભક્તોની ભારે ભીડ

દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શનાર્થે ઉમટી પડ્યા:રામનવમીને લઇ રાપરમાં પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થાનાં ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું

કચ્છમાં ચૈત્રી નવરાત્રિનાં તહેવારની આઠમ નિમિત્તે વાગડ વિસ્તારમાં આવેલા રવેચી અને મોમાઈ માતાજીનાં પ્રસિદ્ધ ધામમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે રામનવમીને લઇ રાપરમાં પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થાનાં ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. રામનવમીનાં દિવસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીનાં પગલાં લેવાયા છે.

 

કચ્છનાં વાગડનાં રવેચી મોમાઈ માતાજીનાં મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થયો હતો. 'જય માતાજી' નાં નાદથી આખું વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. માતાજીનાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓની સુવિધા માટે સ્થાનિક સંસ્થાઓ અને સેવાભાવી સંગઠનો દ્વારા ઠેર-ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણી, નાસ્તો, ચા-કોફી અને આરોગ્ય સેવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દરમિયાન ભક્તોમાં અપાર ઉત્સાહ અને શ્રદ્ધાનું વાતાવરણ જોવા મળ્યું. માતાજીની કૃપા મેળવવા માટે ઘણા ભક્તોએ દૂર-દૂરથી પગપાળા આવવાની પરંપરા પણ જાળવી રાખી

કચ્છના રાપર શહેરમાં રામનવમી તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. રાપર શહેરના અલગ-अલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમ જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પેટ્રોલિંગ અને નિયમિત મોનિટરિંગ કરવામાં આવશે. બંને તહેવારોને લઈને કચ્છ જિલ્લામાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતત સતર્ક છે.

(11:43 PM IST)