News of Friday, 27th March 2026
વડીયામાં તોફાન કરેલા સંતાનોને ખીજાવા મામલે સસરાએ ઠપકો દેતાં પુત્રવધૂ સળગી
૩૧ વર્ષિય મિલનબેન રાવરાણીએ શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી ગયાઃ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: અમરેલીના વડીયામાં છોકરાઓને ઠપકો આપવા મામલે સસરાએ બોલાચાલી કરતાં એક મહિલાએ અગ્નિસ્નાન કરી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ વડીયામાં રહેતી મિલનબેન રવિભાઇ રાવરાણી (ઉ.વ.૩૧) નામની પરિણીતાએ ગઇકાલે સવારે ઘરે હતી ત્યારે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં વડીયા સારવાર અપાવી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુંકાવાવ પોલીસને જાણ કરી હતી. મિલનબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેણીના માવતર અમરેલીના છલડી ગામે રહે છે. પતિ રવિભાઇ રાવરાણી દરજી કામ કરી ગુજરાન ચલાવે છે. સગાના કહેવા મુજબ ગઇકાલે મિલનબેનના બે બાળકો નાસ્તો કરતી વખતે તોફાન કરતાં હોઇ મિલનબેન તેને ખીજાતા હતાં તે વખતે સસરા કિરીટભાઇ ઘરે હોઇ તેણે છોકરાઓને ખીજાવુ જોઇએ નહિ તેમ કહી પુત્રવધુ મિલનબેનને ઠપકો દેતાં તેણીને માઠુ લાગી જતાં ઘરમાં પડેલુ કેરોસીનનું ડબલુ લઇ શરીરે રેડી દિવાસળી ચાંપી લીધી હતી. તેણી હાલ રાજકોટ સારવાર હેઠળ હોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
