<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ગોંડલઃદેરડી કુંભાજીમાં ૧૨મા ધોરણની પરિક્ષા આપ્‍યા પછી ચિંતામાં રહેતી છાત્રાનો આપઘાત

૧૬ વર્ષની મિત્તલ ચાવડાએ ગળાફાંસો ખાઇ લેતાં પરિવારમાં કલ્‍પાંતઃ રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાયું

 

રાજકોટ તા. ૨૭: આત્‍મહત્‍યાની વધુ એક ઘટનામાં એક વિદ્યાર્થીનીએ મોત મેળવી લીધુ છે. ગોંડલ તાબેના સુલતાનપુર પોલીસ સ્‍ટેશન હેઠળના દેરડી કુંભાજી ગામમાં રહેતી ધોરણ-૧૨ની છાત્રાએ ગળાફાંસો આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. તાજેતરમાં તેણીએ ધોરણ બાર બોર્ડની પરિક્ષા આપી હતી એ પછી કોઇપણ કારણોસર ચિંતામાં રહેતી હતી.

જાણવા મળ્‍યા મુજબ દેરડી કુંભાજી ગામે રહેતી મિતલ કનુભાઈ ચાવડા (ઉ.વ.૧૬)એ ગઈકાલે પોતાના ઘરે હતી રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં મોત થયું હતું. બનાવની જાણ થતાં સુલતાનપુર પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ્‍ટેબલ જયસુખભા, રાઇટર સંજયભાઇ સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો. મૃતકની ઉમર સગીર વયની હોઇ પોલીસે પંચનામુ કર્યા બાદ મૃતદેહનું રાજકોટ ખાતે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર મિત્તલ  બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. મિત્તલ ધોરણ-૧મમાં અભ્‍યાસ કરતી હોઇ તાજેતરમાં જ બોર્ડની પરિક્ષા આપી હતી. સગાના કહેવા મુજબ તે ભણવામાં હોશીયાર હતી. પરંતુ પરિક્ષા પુરી થયા બાદ કોઇપણ કારણોસર મુંજવણમાં હતી. આ પછી તેણીએ ગઇકાલે અચાનક આ પગલુ ભરી લીધુ હતું. ચોક્કસ કારણ પરિવારજનો જાણતાં ન હોઇ અંતિમવિધી બાદ પોલીસ મૃતકના સગા સ્‍વજનના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરશે. આ બનાવથી દેરડી કુંભાજી ગામમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી. લાડકી દિકરીના મોતથી ચાવડા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(11:13 AM IST)