News of Friday, 27th March 2026
માધવપુરના મેળામાં યાત્રિકોની સુરક્ષા માટે ૧૪પ૮ પોલીસ જવાનોનો બંદોબસ્તઃ સ્પે. વોચ ટાવર્સ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૭: માધવપુરના મેળામાં યાત્રિકોની સુરક્ષા માટે ૧૪પ૮ પોલીસ જવાનોનો રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.
માધવપુર ઘેડ ખાતે ૨૭ થી ૩૧ દરમિયાન યોજાનારા પરંપરાગત માધવપુરના મેળા માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી બી.યુ. જાડેજાએ જણાવેલ કે, ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા આ લોકમેળામાં ઉમટી પડતી લાખોની જનમેદનીની સુરક્ષા માટે કુલ ૧,૪૫૮ પોલીસ અધિકારીઓ અને જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં ૭ ડીવાયએસપી, ૧૮ પીઆઈ, ૭૮ પીએસઆઈ, ૭૬૩ પોલીસ જવાનો, ૫૩૫ હોમગાર્ડ-જીઆરડી અને ૫૭ ટ્રાફિક મેનેજમેન્ટ કર્મીઓનો સમાવેશ થાય છે. સમગ્ર મેળા વિસ્તારને ૮ ઝોનમાં વહેંચીને રાઉન્ડ ધ કલોક દેખરેખ માટે ૧૪૦ સીસીટીવી કેમેરા અને સ્પેશિયલ વોચ ટાવર્સ કાર્યરત કરવામાં આવ્યા છે.
મહિલાઓની સુરક્ષા માટે ૩ ''શી ટીમ'' સાદા કપડામાં ખડેપગે રહેશે, જ્યારે પિક-પોકેટિંગ અને આવારા તત્વો પર નજર રાખવા માટે ૩ સર્વેલન્સ ટીમો પણ કાર્યરત રહેશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ વર્ષે કલેકટરશ્રીના જાહેરનામા મુજબ ખાસ ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જે મુસાફરોને મેળામાં નથી જવું અને પોરબંદરથી સોમનાથ કે સોમનાથથી પોરબંદર તરફ જવું હોય, તેઓ મોચા ગામથી કડછ, બગસરા, ગોઢાદર, શરમા, સામરડા, મેખડી, વાડલા ફાટક અને આજક થઈને આંતરોલી હાઈવે પરના ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરી શકશે.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બી. યુ. જાડેજાએ જણાવેલ કે, ગુગલ મેપ પર પણ આ ડાયવર્ઝન જોઈ શકાય તે અંગે પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. લોકો શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષિત વાતાવરણમાં મેળાનો આનંદ માણી શકે તે માટે પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
