<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

હેવી મશીનરી માટે પંપ પરથી છૂટક ડીઝલ આપવાની મંજૂરી આપો

મીઠા ઉદ્યોગકારોની કલેકટરને રજૂઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨૭: સરકાર દ્વારા પેટ્રોલ પંપ પરથી માત્ર વાહનોની ટાંકીમાં જ ઈંધણ ભરવાના કરાયેલા પરિપત્રને પગલે મોરબીના મીઠા ઉદ્યોગમાં મુશ્કેલી ઉભી થઈ છે. આ નિયમને કારણે મીઠાના ઉત્પાદન અને હેરફેર પર માઠી અસર પડવાની ભીતિ વ્યકત કરતા 'મરીન સોલ્ટ મેન્યુફેકચરર એસોસિએશન' અને 'જયદીપ એસોસિએટ્સ' દ્વારા મોરબી કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તાજેતરના પરિપત્ર મુજબ પેટ્રોલ પંપ પરથી માત્ર વાહનોની ટાંકીમાં જ ઈંધણ ભરવાની સૂચના અપાઈ છે. જોકે, મીઠાના એકમોમાં વપરાતા હેવી મશીનો જેવા કે હિટાચી, ફોર્કલિફ્ટ, મટીરીયલ હેન્ડલર અને જનરેટર જેવા સાધનો પેટ્રોલ પંપ સુધી જઈ શકતા નથી. આ સાધનો ચલાવવા માટે બેરલ કે નાના ટેન્કરો દ્વારા ડીઝલ લાવવું અનિવાર્ય હોય છે, પરંતુ નવા નિયમને કારણે પંપ સંચાલકો છૂટક ડીઝલ આપવાનું બંધ કરી રહ્યા છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે મીઠું એ જીવનજરૂરી ચીજવસ્તુ છે. જો પ્લાન્ટના મશીનો કે ટ્રેકટરો માટે ડીઝલ ઉપલબ્ધ નહીં થાય તો ઉત્પાદન પ્રક્રિયા અટકી જશે, જેના કારણે ઉદ્યોગો બંધ કરવાની નોબત આવી શકે છે.  આથી, ઉદ્યોગના પુરાવા સાથે લેટરપેડ રજૂ કરનાર એકમોને બેરલ કે નાના સ્ટોરેજ ટેન્કરમાં ડીઝલ આપવાની મંજૂરી આપવા માટે કલેકટરને તાકીદે અપીલ કરવામાં આવી છે.

(11:18 AM IST)