<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

રાજકોટ ગ્રામ્‍યમાં પીઆઇ તરીકે એચ. એમ. ધાંધલની નિમણુંક

કોરોનાકાળના યોધ્‍ધાએ અનેક કેસોમાં નોંધપાત્ર કામગીરી કરી હતીઃ ગુનેગારોમાં ફફડાટ

રાજકોટ તા. ૨૭: ગઇકાલે રાજ્‍યના પોલીસ ઇન્‍સપેકટર્સની બદલી, નિમણુંકનો ઘાણવો નીકળ્‍યો તેમાં રાજકોટ ગ્રામ્‍યમાં બાહોશ અને નીડર અધિકારી તરીકે જાણીતા પીઆઇ એચ.એમ. ધાંધલની નિમણુંક થઇ છે. શિસ્‍તબદ્ધ કામગીરી અને મજબુત નેટવર્ક ધરાવતા આ અધિકારીના આગમનથી ગ્રામ્‍ય વિસ્‍તારમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ વધુ સુદ્રઢ બનવાની આશા સેવાઈ રહી છે.

વર્ષ ૨૦૧૦ની ભરતીના અધિકારી એવા એચ. એમ. ધાંધલે પોતાની કારકિર્દીની શરૂઆતથી જ પ્રશંસનીય કામગીરી કરી છે. અગાઉ રાજકોટ શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતી વખતે તેમણે અનેક જટિલ ગુનાઓના ભેદ ઉકેલીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. કોરોનાકાળમાં લોધિકામાં ફરજ દરમિયાન જ્‍યારે સમગ્ર દેશ મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો, ત્‍યારે તેમણે અસરકારક કામગીરી કરી માનવીય અભિગમ સાથે કાયદાનું પાલન કરાવ્‍યું હતું.

આ ઉપરાંત લોધિકાના ચિભડા ગામમાં બનેલી પોક્‍સા એક્‍ટ હેઠળની ગંભીર ઘટનામાં તેમણે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો. મજબૂત પુરાવાઓ એકત્ર કરી આરોપીને કડક સજા અપાવવામાં પણ મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

ત્‍યારબાદ ઉપલેટા ખાતે પણ તેમની કામગીરી અત્‍યંત અસરકારક રહી હતી, જેને કારણે સ્‍થાનિક સ્‍તરે તેમની ભારે પ્રશંસા થઈ હતી. તેમની નિષ્‍ઠાવાન કામગીરીની કદર રૂપે પીઆઇ તરીકે પ્રમોશન આપી વડોદરા સિટી ખાતે નિમણૂક આપવામાં આવી હતી. વડોદરામાં અનુભવ મેળવ્‍યા બાદ હવે ફરી એકવાર તેમની રાજકોટ ગ્રામ્‍યમાં વરણી કરવામાં આવી છે. બાતમીદારોનું મજબુત નેટવર્ક અને ગુનેગારો પ્રત્‍યેની તેમની કડક છબીને કારણે ગ્રામ્‍ય પંથકના અસામાજિક તત્‍વોમાં અત્‍યારથી જ ફફડાટ જોવા મળી રહ્યો છે.

(11:44 AM IST)