<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ધ્રોલના રાજમાર્ગો પર ઉમટયું રામ નામનું ઘોડાપૂરઃ ‘મેરે ભારત કા બચ્‍ચા-બચ્‍ચા જય જય શ્રી રામ બોલેગા'ના નાદ સાથે ગુંજી ઉઠી ધર્મનગરી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૬:‘‘શ્રી રામનવમી''ના પાવન અવસર નિમિત્તે ધ્રોલ ખાતે હિન્‍દુ સેના દ્વારા આયોજિત શોભાયાત્રા સંપન્ન થઈ હતી. ‘‘મેરે ભારત કા બચ્‍ચા-બચ્‍ચા, જય જય શ્રી રામ બોલેગા...'' ના ગુંજારવ સાથે સમગ્ર ધ્રોલ પંથક રામમય બની ગયો હતો. આ શોભાયાત્રાએ ધ્રોલના ઇતિહાસમાં ભક્‍તિ અને એકતાનું નવું પ્રકરણ આલેખ્‍યું છે.

હિન્‍દુ સેના ધ્રોલ દ્વારા ‘‘સંસ્‍કાર, સેવા, સંયમ, સ્‍વાભિમાન અને સુરક્ષા''ના પવિત્ર મંત્ર સાથે આયોજિત આ શોભાયાત્રાનું પ્રસ્‍થાન બપોરે ૪:૦૦ કલાકે શ્રી આંબા ભગતની જુની જગ્‍યા, દરબારગઢ ખાતેથી કરવામાં આવ્‍યું હતું. શોભાયાત્રાના પ્રારંભ પૂર્વે પ્રભુ રામચંદ્રજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

શોભાયાત્રાના મુખ્‍ય આકર્ષણમાં પ્રભુ શ્રી રામનો મનમોહક અને શણગારેલો રથ રહ્યો હતો. કેસરીયા સાફા અને પતાકાઓ સાથે હજારોની સંખ્‍યામાં યુવાનો અને નગરજનો ઉમટી પડ્‍યા હતા. માર્ગો પર ઠેર-ઠેર ‘‘જય શ્રી રામ''ના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્‍યા હતા. આ પ્રસંગે ધ્રોલના વેપારી મિત્રોએ પણ અભૂતપૂર્વ મોટા ભાગના પોતાના ધંધા-રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાઈને ધર્મલાભ લીધો હતો. સમગ્ર માર્ગ પર ઠંડા પીણા અને શરબતની સેવાઓ પણ રામભક્‍તો માટે ઉપલબ્‍ધ કરાવાઈ હતી.

શોભાયાત્રા દરમિયાન ઢોલ-નગારાના તાલે યુવાનોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. અનેક સ્‍થળોએ પુષ્‍પવર્ષા દ્વારા રામજીની સવારીનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ તમામ ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.  હિન્‍દુ સેના ધ્રોલના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્‍તબદ્ધ રીતે પૂર્ણ થઈ હતી.

(1:19 PM IST)