<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધ માત્ર કાગળ પર : સાબર પ્લાસ્ટિક ખાતું નજરે પડતા વન્યજીવ પ્રેમીઓમાં ચિંતાનું મોજું

વાયરલ વિડીઓથી વન્યજીવ પ્રેમીઓ ખફા : જો વન્યજીવોને આ ઝેરી પ્લાસ્ટિકથી બચાવવા હોય તો તંત્રએ કાગળ પરના આદેશો છોડીને ગ્રાઉન્ડ લેવલ પર પરિણામલક્ષી કામગીરી કરવી પડશે.

જૂનાગઢના ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોનમાં વન્યજીવોની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક સાબર પ્લાસ્ટિક ખાતું નજરે પડતા વન્યજીવ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનારના દાવાઓ વચ્ચે આ દ્રશ્યોએ સાબિત કરી દીધું છે કે પ્રતિબંધ માત્ર કાગળ પર જ છે. તંત્ર દ્વારા ઉભી કરાયેલી ચેકપોસ્ટો પર માત્ર વાહનોનું ચેકિંગ થાય છે, પરંતુ પ્લાસ્ટિક અંદર જતું અટકાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ભવનાથ તળેટી વિસ્તારમાં પ્રવેશતા પ્રવાસીઓ અને વાહનોના ચેકિંગ માટે સોનાપુર સ્મશાન પાસે ખાસ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. આ ચેકપોસ્ટનો મુખ્ય હેતુ ગિરનારના જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક જતું અટકાવવાનો છે. જોકે, વાયરલ વીડિયો બાદ સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ચેકપોસ્ટની કામગીરી માત્ર દેખાડા પૂરતી છે. બહારથી આવતા પ્રવાસીઓના વાહનો ચેક કરવામાં આવે છે, તેમ છતાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક તળેટી વિસ્તારમાં પહોંચી રહ્યું છે, જે વન્યજીવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ભવનાથ તળેટી એ ગિરનાર જંગલની બોર્ડર પર આવેલો વિસ્તાર છે, જ્યાં અવારનવાર સાબર, હરણ અને અન્ય વન્યજીવો ખોરાકની શોધમાં આવતા હોય છે. પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના કચરા અને ખાદ્ય સામગ્રીની થેલીઓ વન્યજીવો આરોગી રહ્યા છે. પ્લાસ્ટિક પચતું ન હોવાથી તે પ્રાણીઓના પેટમાં જમા થાય છે, જેના કારણે તેમનું ધીમું અને પીડાદાયક મૃત્યુ થઈ શકે છે. સાબર પ્લાસ્ટિક ખાતું હોવાનો વીડિયો એ બાબતની સાક્ષી પૂરે છે કે ગિરનારની જૈવવિવિધતા અત્યારે જોખમમાં છે.

વન્યજીવ પ્રેમીઓનું કહેવું છે કે તંત્રએ માત્ર દંડ વસૂલવા કે ચેકપોસ્ટ ઉભી કરવાને બદલે કડક અમલીકરણ કરવું જોઈએ. ભવનાથમાં આવતા પ્રવાસીઓમાં જાગૃતિ લાવવા માટે સખત પેટ્રોલિંગ અને પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ જરૂરી છે. જો વન્યજીવોને આ ઝેરી પ્લાસ્ટિકથી બચાવવા હોય તો તંત્રએ કાગળ પરના આદેશો છોડીને ગ્રાઉન્ડ લેવલ પર પરિણામલક્ષી કામગીરી કરવી પડશે. વન્યજીવોને મોતના મુખમાં જતા બચાવવા એ વન વિભાગની પ્રાથમિક જવાબદારી છે.

ગિરનારના જંગલમાં એશિયાટીક સિંહ સહિત અનેક દુર્લભ પ્રાણીઓ વસે છે. જો આ પ્રકારે પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધતું રહેશે, તો આગામી દિવસોમાં વન્યજીવોની સંખ્યા પર તેની માઠી અસર પડશે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો બાદ લોકો વન વિભાગને ટેગ કરીને સવાલો પૂછી રહ્યા છે કે આખરે ક્યારે ગિરનાર સાચા અર્થમાં પ્લાસ્ટિક મુક્ત બનશે? તંત્રની આ નિરસતા વન્યજીવો માટે મોટો ખતરો બનીને ઉભી છે.

(8:30 PM IST)