<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

જામનગરમાં રિંકી યાદવની હત્યાનો ભેદ ઉકેલાયો: માનીતા ભાઈએ જ લીધો જીવ ! આરોપીની ધરપકડ :પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલી રિંકી યાદવનો મૃતદેહ તેના જ 'માનીતા ભાઈ' એવા વિજય ઓડિચના ઘરેથી મળ્યો: આરોપીએ પુત્ર સાથે મળીને મહિલાને શોધવાનું મોટું નાટક આચર્યું હતું

જામનગર :ડિફેન્સ કોલોની વિસ્તારમાં બનેલી રિંકી યાદવ નામની મહિલાની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મ જગાવી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલી રિંકી યાદવનો મૃતદેહ તેના જ 'માનીતા ભાઈ' એવા વિજય ઓડિચના ઘરેથી મળી આવતા આ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે.

 

રિંકી યાદવ ગત દિવસોમાં અચાનક ગુમ થઈ ગઈ હતી, ત્યારે તેના પુત્રએ પોતાની માતાને શોધવા માટે આરોપી વિજયની જ મદદ માંગી હતી. વિજયે એક સજ્જન મિત્ર અને ભાઈ હોવાનું નાટક કરી પુત્રની સાથે મળીને જ રિંકીની શોધખોળમાં સામેલ થયો હતો. જોકે, પોલીસ તપાસ દરમિયાન જ્યારે શંકાની સોય વિજય તરફ ગઈ અને તેના ઘરની તપાસ કરવામાં આવી, ત્યારે ત્યાંથી રિંકીની લાશ મળી આવતા આરોપીનું તમામ નાટક ખુલ્લું પડી ગયું હતું.

 

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, અંગત અદાવત કે અન્ય કોઈ કારણોસર વિજયે રિંકીને પોતાના ઘરે બોલાવી ગળેટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જામનગર પોલીસે આરોપી વિજય ઓડિચની ધરપકડ કરી તેને ડિફેન્સ કોલોની સ્થિત ઘટનાસ્થળે લઈ ગઈ હતી. ત્યાં પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી હત્યાના દરેક પાસાઓને કાયદેસર રીતે મજબૂત કરી શકાય.

આ કેસની વધુ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. વિશ્વાસઘાત અને ક્રૂરતાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે ક્યારેક નજીકના જ ગણાતા સંબંધો સૌથી વધુ જોખમી સાબિત થાય છે. હાલ પોલીસ આ મામલે વધુ પૂરાવા એકત્રિત કરી રહી છે

 

(11:56 PM IST)