<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

ખોખરા હનુમાન- હરિહરધામ ખાતે 1 એપ્રિલે હનુમાન જયંતિ મહોત્સવ અને સંતવાણી.

મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરીદેવીના સાન્નિધ્યમાં ઉજવણી: રાત્રે જાણીતા કલાકાર સાંઈરામ દવે અને દેવ ભટ્ટ સંતવાણીની રમઝટ બોલાવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના બેલા-ભરતનગર નજીક આવેલ અને ધાર્મિકશૈક્ષણિક, આધ્યાત્મિક તથા ગૌસેવા સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર એવા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે આગામી તારીખ 0૧-૦૪-૨૦૨૬, બુધવારના રોજ હનુમાન જયંતિના પાવન અવસર પર ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરીદેવીના પાવન સાન્નિધ્યમાં આ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
આ મહોત્સવ અંતર્ગત બુધવારે સવારે ૯:00 કલાકથી અખંડ રામધૂનનો પ્રારંભ થશે. ત્યારબાદ બપોરે ૧૨:00 કલાકે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિ નિમિત્તે રાત્રે ૯:૩૦ કલાકે ભવ્ય સંતવાણી અને ડાયરાનો કાર્યક્રમ યોજાશે. આ ડાયરામાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર, લોકસાહિત્યકાર અને કેળવણીકાર સાંઈરામ દવે તથા પ્રખ્યાત ભજનિક દેવ ભટ્ટ ગ્રુપ દ્વારા ભજનો અને સાહિત્યની રમઝટ બોલાવવામાં આવશે.
આ ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં પધારવા માટે કલાકાર સાંઈરામ દવે દ્વારા એક ખાસ વિડીયો સંદેશ પણ જારી કરવામાં આવ્યો છે. આ વિડીયો સંદેશમાં તેઓએ લોકોને હનુમાન દાદાના ગુણગાન ગાવા અને લોકસાહિત્યની મોજ માણવા પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ (બેલા-ભરતનગર) દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન, પ્રસાદ અને સંતવાણીનો અમૂલ્ય લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

(1:29 AM IST)