News of Saturday, 28th March 2026
કાલે ભાવનગર કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પદવીદાન સમારોહ
૧૨૭૦૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત થશેઃ ગોલ્ડ મેડલ- પ્રાઇઝ અપાશેઃ કુલપતિ ડો.ભરતભાઇ રામાનુજ : ડો.મનસુખભાઇ માંડવીયા, નીમુબેન બાંભણીયા, ડો.પ્રદ્યુમનભાઇ વાજા, જીતુભાઇ વાઘાણી, ત્રિકમભાઇ છાંગા સહિતના ઉપસ્થિત રહેશે

ભાવનગર તા.૨૮ઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના આગામી ૧૦ મા પદવીદાન સમારોહના આયોજન અંગે માહિતી આપવા માટે આજે યુનિવર્સિટી ખાતે કુલપતિ (વાઈસ ચાન્સેલર) ડો. ભરતભાઈ રામાનુજની અધ્યક્ષતામાં એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજે જણાવ્યું હતું કે, આગામી તા.૨૯-૦૩-૨૦૨૬ ના રોજ યોજાનારો આ પદવીદાન સમારોહ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી ની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થશે. આ વર્ષનો સમારોહ એક ઐતિહાસિક સીમાચિહ્ન રૃપ બની રહેશે, કારણ કે યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને તમામ વ્યવસ્થાઓની જવાબદારી માત્ર મહિલાઓ દ્વારા જ સંભાળવામાં આવનાર છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં કુલપતિ ડો.ભરતભાઈ રામાનુજે પદવીદાનના આંકડાકીય ડેટા રજૂ કરતા જણાવ્યું કે, આ શૈક્ષણિક વર્ષમાં દીકરીઓએ કેવળ વહીવટી સંચાલનમાં જ નહીં, પરંતુ શૈક્ષણિક પરિણામોમાં પણ મેદાન માર્યું છે. એનાયત થનારા કુલ ૮૬ જેટલા સુવર્ણ ચંદ્રકો (ગોલ્ડ મેડલ્સ) માં દીકરીઓની સંખ્યા સૌથી વધુ છે જેમાં દીકરીઓ ૫૨ અને ભાઈઓ ૩૪, જે નારી શકિતના વધતા પ્રભાવને સાબિત કરે છે. આ પદવીદાન સમારોહમાં ૧૨ વિદ્યાશાખાઓના કુલ ૧૨,૭૦૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
આ પદવીદાન સમારોહના સુચારૃ અને સુવ્યવસ્થિત આયોજન માટે કુલપતિ ડો.ભરતભાઈ રામાનુજની આગેવાનીમા યુનિવર્સિટીના કન્ટ્રોલર ઓફ એકઝામિનેશન (OSD) પ્રો. ડો. તેજસ પી. જોશી તથા તેમની સમગ્ર પરીક્ષા ટીમ દ્વારા ઉદાહરણરૃપ કામગીરી કરવામાં આવી રહી છે. પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે મેડલ વિજેતાઓની યાદી તૈયાર કરવાથી લઈને ડિગ્રી એનાયત કરવાની પ્રક્રિયા સુધીની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ આ ટીમ દ્વારા અત્યંત ચોકસાઈપૂર્વક નિભાવવામાં આવી રહી છે. પરીક્ષા વિભાગના આ સમર્પિત પ્રયાસો અને શ્રેષ્ઠ વહીવટી આયોજનને કારણે જ આ ગૌરવશાળી સમારોહ નિર્વિઘ્ને અને ભવ્ય રીતે સંપન્ન થવા જઈ રહ્યો છે, જે યુનિવર્સિટીની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
કુલપતિ ભરતભાઈ રામાનુજે જણાવ્યું કેમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં પણ વૈશ્વિક ફલક પર પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાના યુવક મહોત્સવમાં અનેકવાર શ્રેષ્ઠ દેખાવ કરીને યુનિવર્સિટીનો ડંકો વગાડ્યો છે, જે તેમની કલા અને સાંસ્કૃતિક સૂઝબૂઝનું પ્રમાણ છે. માત્ર સાંસ્કૃતિક ક્ષેત્રે જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ અહીંના ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. સંશોધન ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓએ સતત શ્રેષ્ઠ પરિણામો લાવીને યુનિવર્સિટીની શૈક્ષણિક ગરિમાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે.
આ ૧૦ મા વાર્ષિક પદવીદાન સમારંભ માં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, ભારત સરકાર ના ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા, રાજ્યના શિક્ષણ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ડો.પ્રદ્યુમનભાઇ વાજા, રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહારાણી સાહેબા સમયુકતા કુમારી ગોહિલ, કુલપતિ પ્રો.ડો.બી.બી.રામાનુજ અને કાર્યકારી કુલસચિવમ ડો.બી.બી.જાની સહિતના મહાનુભાવોની અધ્યક્ષતામાં યોજાનાર છે.
આ ગૌરવશાળી પ્રસંગે વિવિધ વિદ્યાશાખાઓમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો આર્ટસ ફેકલ્ટીમાં ૪૬૩૮ કોમર્સમાં ૨૭૭૮, રૃરલ સ્ટડીઝમાં ૧૪૩૪, એજ્યુકેશનમાં ૪૫૪, સાયન્સમાં ૨૧૪૯, મેડિકલમાં ૨૩૬ અને લો ફેકલ્ટીમાં ૧૩૮ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓમાં મેડિકલ ફેકલ્ટીના બજાજ જય કમલેશભાઈએ MBBS ફાઈનલમાં સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કરી ૦૯ જેટલા સુવર્ણ ચંદ્રકો મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું હતું. તેવી જ રીતે સાયન્સ ફેકલ્ટીમાં વાઘેલા તુષારભાઈ અને ચુડાસમા મિત્તલબા એ અનુક્રમે કેમેસ્ટ્રી અને મેથેમેટિકસમાં, જ્યારે કોમર્સમાં વાયલુ આરતી અને ગોહેલ દર્શનાબેને મેડલ્સ પ્રાપ્ત કર્યા હતા. લો ફેકલ્ટીમાં શેખ મોહમ્મદહમઝા અને બારડ મિતએ પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.
અંતમા કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજે જણાવ્યું હતું કે, ૨૯ માર્ચનો આ પદવીદાન સમારોહ મહિલાઓ ના નેતૃત્વ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાના સુભગ સમન્વય સમાન બની રહેશે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
