<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

પાંચવડાના ૧૧૮ વર્ષના નિરોગી મણીમા સાવલીયાનું અવસાનઃ ધુન મંડળી સાથે અંતિમ વિદાય

માડી હવે લાડવા કયારે ખવડાવવા છે ત્યારે મણીમાં કહેતા યમરાજા મારું નામ ચોપડામાં લખવાનું ભૂલી ગયા છે તું કોઈની સાથે સમાચાર મોકલ મારું નામ લખી નાખેઃ પાંચમી પેઢીને પાંચ વર્ષ થયા ખોળામાં રમાડતા હતા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૮ઃ જસદણ તાલુકાના ૧૧૮ વર્ષના નિરોગી મણીબેન લક્ષ્મણભાઈ સાવલિયાનુ ગઈકાલે અવસાન થતા પરિવારમાં મણીમાની છત્રછાયા ગુમાવવાનું દુઃખ છવાઈ ઞયુ હતુ ઞામમાં પણ દુઃખનું મોજુ ફરી વળ્યું હતું આજે સવારે મણીમાંને ધુન મંડળી સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

મણીબેન સાવલિયા તેમના સાદગિભર્યા જીવન,ઉચ્ચ વિચારો અને આધ્યાત્મિક જીવનશૈલી માટે પણ ખૂબ જ આદરણીય હતા જીવનના લાંબા પ્રવાસ દરમિયાન તેમણે અનેક અનુભવો મેળવી અનુભવને અને પોતાના વિચારોને પુસ્તકમાં પણ રજૂ કર્યા હતા.

તેઓ જીવનમાં સાત્વિકતા,સત્ય અને સેવા ભાવ ધરાવતા હતા તેમના દ્વારા રજૂ કરાયેલ વિચારોને પુસ્તકોમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જીવનના મૂલ્યો,સંસ્કાર, ધર્મ અને સકારાત્મક વિચારધારાનો ઊંડો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મણીમા ગામના લોકો માટે પણ જીવંત પ્રેરણા હતા તેમના માર્ગદર્શનથી અનેક લોકો જીવનમાં આગળ વધ્યા હતા હાલના વાતાવરણમાં કોઈ વ્યકિત સો વર્ષની ઉપરનો આંકડો વટાવે ત્યારે સ્વાભાવિક આપણને થાય ખાટલે પડ્યા હશે અને પોતાના મૃત્યુની રાહમાં જીવન વિતાવતા હશે પરંતુ મણીમાં ૧૧૮ વર્ષની ઉંમરે પણ નિરોગી હતા અને ખાટુ,મીઠું,તીખું જે આપો એ ફાંસે હોશે પોતાની જાતે જ ખાઈ લેતા હતા બી.પી.ડાયાબીટીસ તો દુરની વાત હતી મણીમાંએ કયારેય એસીડીટીની પણ ફરીયાદ નહોતી કરી હા થોડા વખતથી પૂરતો ખોરાક લેવાતો ન હોય તેઓ અશકિતને લીધે પથારીવસ હતા આમ છતા પરિવારજનો સાથે કે ગામના લોકો સાથે ખૂબ જ ભાવથી વાતચીત કરતા હતા.

કોઈ ખબર પૂછવા આવે ત્યારે ગામડા ગામમાં મજાક મશ્કરીમાં વડીલોને પૂછે કે હવે લાડવા કયારે ખવડાવવા છે ત્યારે મણીમાં ઉંમરલાયક કોઈ વ્યકિતએ પૂછ્યું હોય તો તેમને કહેતા હતા કે તું જા તો યમરાજા ને કહેજે કે મારું નામ ચોપડામાં લખવાનું ભૂલી ગયા હોય તો લખી નાખજે જ્યારે ઉંમરમાં નાના લોકો આવી મશ્કરી કરે તો કહેતા કે તું કોઈની સાથે યમરાજાને સમાચાર મોકલ કે મારું નામ હવે ચોપડામાં લખી નાખે તો તને લાડવા ખાવા મળશે.

મણીમા તેમની પાંચમી પેઢીના બાળકને પણ છેલ્લા પાંચ વર્ષ થયા રમાડતા હતા મણીમાની આજે સવારે સ્મશાન યાત્રા નીકળી તેમાં પરિવારજનો સાથે ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

(1:32 PM IST)