<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

લુખ્‍ખા તત્‍વો કે ગુંડા તત્‍વો કોઈની દાદાગીરી સાંખી લેવામાં નહીં આવે, હું દર અઠવાડિયે મોરબીમાં એક રાઉન્‍ડ લગાવીશઃ કાંતિલાલ અમૃતિયા

કેન્‍સરને મ્‍હાત આપી મોરબી પરત ફરેલા કાંતિલાલ અમૃતિયાની ભવ્‍ય સ્‍વાગત રેલી યોજાઈ, ત્‍યારબાદ તેઓએ વિશાળ સભા પણ સંબોધી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૮:ધારાસભ્‍ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્‍યું હતું કે છેલ્‍લા બે મહિનાથી તેઓ મોરબી આવી શક્‍યા ન હતા તેનું તેમને દુઃખ હતું, પરંતુ આજે તમામ સમાજ અને કાર્યકર્તાઓનો પ્રેમ જોઈને તેમનો જુસ્‍સો ૧૦ ગણો વધી ગયો છે. તેમણે જણાવ્‍યું કે સરકારે મોરબીને કોર્પોરેશન આપ્‍યું છે અને બજેટ ૭૦૦ કરોડથી વધારીને ૧૧૫૦ કરોડ કરવામાં આવ્‍યું છે.

૭૦૦ કરોડના ૫૦% જેટલા વિકાસના કામો ચાલુ થઈ ગયા છે. ભવિષ્‍યમાં કોઈ પણ જગ્‍યાએ વિકાસના કામો ન અટકે તે માટે આગામી તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્‍લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવા તેમણે આહ્વાન કર્યું હતું, જેથી પ્રજા કે ઉદ્યોગપતિઓને હેરાન ન થવું પડે.

લુખ્‍ખા તત્‍વોને કડક ચેતવણી આપતા તેમણે કહ્યું કે છેલ્‍લા બે મહિનામાં સોશિયલ મીડિયામાં તેમણે જોયું છે કે રાત્રે ગાડીઓના કાચ ફોડવા, વેપારીઓ પર છરીના ઘા કરવા કે સામાન્‍ય માણસને માર મારવા જેવી ઘટનાઓ બની છે. તેમણે સ્‍પષ્ટ કર્યું કે પોલીસ પોતાનું કામ ક૨શે જ, પરંતુ હવેથી તેઓ પોતે પણ અઠવાડિયામાં એકવાર રાઉન્‍ડ મારશે. જો ક્‍યાંય પણ ગેરરીતિ દેખાશે તો તેઓ આકરા પગલાં લેશે અને ભાજપની ઈમેજ ખરાબ થવા દેશે નહીં. મોરબીમાં કોઈની દાદાગીરી સાંખી લેવામાં આવશે નહીં. જે કોઈ દાદાગીરી કરતું હોય કે છેડતી કરતું હોય તેની હવા કાઢી નાખવાની છૂટ છે. વધુમાં, લોકોના પ્રશ્નો ઉકેલવા પોલીસ વિભાગ સાથે મળીને લોકદરબાર યોજવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્‍યું હતું. તેમણે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ વિડીયો સોશિયલ મીડિયા પર આવે તો સીધા તેમના ફોન પર મોકલી આપજો.

કેન્‍સરના દર્દીઓને હિમત આપતા કાંતિલાલ અમૃતિયાએ પોતાનો અનુભવ શેર કર્યો હતો કે તેમને મગફળીના દાણા જેવડી ગાંઠ હતી જે બાદમાં મોબાઈલ જેવડી મોટી થઈ ગઈ હતી. તેમનું ૭ કલાક સુધી મેજર ઓપરેશન ચાલ્‍યું હતું જેમાં ૭ કાણા પાડવામાં આવ્‍યા હતા. તેમણે દર્દીઓને સંદેશ આપ્‍યો કે જો ૫૦્રુ જુસ્‍સો અને મોરલ ઊંચું હશે, તો કોઈપણ બીમારી મટી જશે. (૩૮.૩૧)

ગુંડાઓ અને વ્‍યાજખોરો ભોંયભેગા થઈ જજો, નહીંતર દાદાનું બુલડોઝર ફરી વળશેઃ જીતુભાઇ સોમાણી

ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીએ રામ નવમીના પાવન અવસરે ભગવાન રામના ૧૪ વર્ષના વનવાસ બાદ અયોધ્‍યા પરત ફરવાના પ્રસંગને યાદ કરતા તેઓએ કાંતિભાઈ અમૃતિયાની મોરબી વાપસીને તેની સાથે સરખાવી હતી. જીતુભાઈએ જણાવ્‍યું હતું કે, કેન્‍સર જેવી ગંભીર બીમારીને હરાવીને કાંતિભાઈ મોરબી પરત ફર્યા છે, જે મોરબીની જનતાની પ્રાર્થના, યજ્ઞ અને હનુમાન ચાલીસાના પાઠનું ફળ છે. પોતાના સંબોધનમાં તેઓએ લુખ્‍ખા, ગુંડાઓ અને વ્‍યાજખોરોને કડક શબ્‍દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, તમે ભોંયભીતર થઈ જજો, નહીંતર તમારી કોઈ ખેર નથી, ગમે ત્‍યારે દાદાનું બુલડોઝર ફરી વળશે અને ગેરકાયદેસર બાંધકામો તોડી પડાશે.

વધુમાં તેમણે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં મોટા શહેરોમાં લાગતા કરફયુની યાદ અપાવી ભાજપના રાજમાં શાંતિ હોવાનો અને ગુંડા તત્‍વોમાં ડર હોવાનો ઉલ્‍લેખ કર્યો હતો. કાંતિભાઈ વિશે તેઓ રાજ્‍યકક્ષાના મંત્રી નહિ બની શકે કે પરત નહિ આવે તેવી અફવા ફેલાવનારાઓને આડેહાથ લેતા જીતુભાઇએ તેમને મરદ માણસ ગણાવ્‍યા હતા. તેમણે ઉમેર્યું હતું કે પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી છે અને કાંતિભાઈ હવે બમણી તાકાતથી જનતાની સેવા કરવા મેદાનમાં ઉતરી પડ્‍યા છે.

(11:35 AM IST)