<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

બાબરામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચુંટણી અંગે કોંગ્રેસ પાર્ટી દ્વારા કાલે વિસ્તૃત ચર્ચા બેઠક

તાલુકા અને શહેર સંગઠનના સુકાનીઓ પદભાર સંભાળશેઃ જીલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ મતદારો પાસે પોતાના ઉમેદવાર નક્કી કરાવશે

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૨૮: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચુંટણી સંદર્ભે અમરેલી જીલ્લા કોંગ્રેસ વર્તુળ દ્વારા બાબરા તાલુકા ક્‍ક્ષાના આગેવાનો સાથે વિચાર વિમર્શ અંગે અને તાજેતરમાં જાહેર થયેલા નવા સુકાની ઓને પદભાર સોપવા સહિતની સંયુક્‍ત બેઠકનું તા.૨૯ ની સાંજે ૫ કલાકે બાબરા નીલવડા રોડ સ્‍થિત મેલડી માતા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે.

બાબરા તાલુકામાં આવતી જીલ્લા પંચાયતની મોટા દેવળિયા કોટડા પીઠા અને કરીયાણા સીટ મળી કુલ ૩ તથા તાલુકા પંચાયતની ૧૮ સીટ અને નગરપાલિકાના ૬ વોર્ડની કુલ ૨૪ બેઠકો માટે આવનારા સમયમાં ઈલેકશન જાહેર થનાર છે ત્‍યારે કોંગ્રેસ પાર્ટી મતદારોની વચ્‍ચે બેસી અને પોતાનો ઉમેદવાર પસંદ કરાવવાની નેમ સાથે આગળ વધશે.

તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ વહાણી તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિતરંજન છાટબારના જણાવ્‍યા મુજબ તાલુકા અને શહેરી વિસ્‍તારમાં અનેક વિકાસના કામો માટે જનતા જનાર્દન વ્‍યાકુળ છે હાલની રાજ્‍ય અને કેન્‍દ્રની સરકારના મનસુફી ભર્યા વલણથી ગામડા વેપાર વાણીજ્‍ય ભાંગી રહ્યા છે અને બેકારી બેરોજગારી મોંઘવારીનો અજગરી ભરડો સામાન્‍ય જનતાને પીસવે છે ત્‍યારે જીલ્લા તાલુકા અને શહેરમાં વસી રહેલા મકાન વિહોણા શ્રમિકો અને જરૂરીયાત મંદ લોકો માટે કોંગ્રસ સમિતિ મકાન માટે જમીન તથા રોડ રસ્‍તા અને પાણી વીજળી અને સ્‍વચ્‍છતા માટે આમૂલ પરિવર્તન લાવવાના ધ્‍યેય સાથે આગળ વધશે.

તાલુકા અને જીલ્લા કક્ષા સહિત પાર્ટી પ્રભારી તથા મોવડીની ઉપસ્‍થિતિમાં યોજાનાર મહત્‍વની બેઠકમાં જીલ્લા તાલુકા અને નગરપાલિકા ચુંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે મતદારો પોતાનો ઉમેદવાર નક્કી કરે એ પ્રકારે આગામી ચુંટણી અંગે રણનીતિથી આગળ વધવા નિર્ધાર થનાર હોવાનું જાણવા મળે છે.

આ તકે જીલ્લા કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ઉપસ્‍થિત રહી નવા સુકાનીઓને વિધિવત પદભાર સોપશે અને તાલુકાના વિવિધ પાંખના આગેવાનો સાથે વિચાર વિમર્શ યોજી જુના તળાવ મેલડી માતા મંદિર ખાતેથી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચુંટણી અંગેનો શંખનાદ કરવામાં આવશે તેમાં સૌ કોઈને ઉપસ્‍થિત રહેવા જણાવવામાં આવ્‍યું છે.

(1:33 PM IST)