<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

જામનગર બેરાજા-પસાયાના દીગુભાની રાજકોટના ઢાંઢણી પાસે રૂા. ૨.૧૬ લાખનો દારૂ ભરેલી કાર સાથે ધરપકડ

પીસીબીના યુવરાજસિંહ, કુલદીપસિંહ, વિજયભાઇની બાતમીઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૮: દારૂના ધંધાર્થીઓ પર પોલીસ સતત ધોંસ બોલાવી રહી છે. વધુ એક દરોડામાં મોટા જથ્‍થા સાથે પીસીબીની ટીમે કાર પકડી લઇ એક શખ્‍સને દબોચી લીધો હતો. રાજકોટ-ભાવનગર હાઇવે પર ઢાંઢણી ગામના પાટીયા પાસે બાતમીના આધારે વોચ રાખી જામનનગરના બેરાજા પસાયા ગામના શખ્‍સને કારમાં વિદેશી દારૂ સાથે પકડી લઇ કુલ રૂા. ૪,૧૬,૫૩૬નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

દારૂ-જૂગારની પ્રવૃતિ નાબુદ કરવા ઉચ્‍ચ અધિકારીઓની સુચના મળી હોઇ તે અંતર્ગત પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. યુવરાજસિંહ રાણા, હેડકોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતાને ચોક્કસ બાતમી મળતાં ઢાંઢણી ગામના પાટીયા પાસે જીજે૧૦બીજી-૧૨૨૨ નંબરની વર્ના કરા આંતરી લીધી હતી. તેમાં તપાસ કરતાં દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. કારચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ દિગ્‍વીજયસિંહ ઉર્ફે દિગુભા રણજીતસિંહ જાડેજા (ઉ.વ.૩૪-રહે. બેરાજા-પસાયા, જી. જામનગર) જણાવ્‍યું હતું.

પોલીસ ટીમે કારની પાછળની સીટ અને ડેકીના ભાગે તપાસ કરતા પ્‍લાસ્‍ટિકની સીલપેક બોટલો મળી આવી હતી. તપાસ દરમિયાન સ્‍મીર્ન ઓફ ગ્રીન એપલ ટ્રીપલ  વોડકાના કુલ ૯૬ ચપલા જેની કિંમત ૫૦,૪૪૮ રોકફોર્ડ ક્‍લાસિક ફાઈનેસ્‍ટ બ્‍લેન્‍ડેડ વ્‍હીસ્‍કીના કુલ ૩૮૪ ચપલા જેની કિંમત ૧,૬૬,૦૮૮ મળી આવી હતી.  કુલ ૧૮૦ એમએલની ૪૮૦ ચપલા રૂા. ૨,૧૬,૫૩૬ મળી આવ્‍યા હતાં. પોલીસે દારૂ, કાર મળી  રૂા. ૪,૧૬,૫૩૬નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.  આ દારૂનો જથ્‍થો કયાંથી લાવવામાં આવ્‍યો હતો અને કોને સપ્‍લાય કરવાનો હતો તે તપાસ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મડલીકની સુચના અંતર્ગત પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા અને ટીમે આ કામગીરી કરી હતી

(1:33 PM IST)