<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

જામનગરમાં લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન અને ગૌસેવા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

શ્રીરામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા અયોધ્યાનગરી ખાતે આયોજિત મહોત્સવમાં જ્ઞાતિજનોને સહપરિવાર ઉમટી પડવા જાહેર નિમંત્રણ : અશક્ત અને બીમાર વડીલો માટે ટિફિન સેવાની વિશેષ વ્યવસ્થા

જામનગર: જામનગર શહેરમાં છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ રામનવમીના પવિત્ર તહેવારની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ કૃપાળુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની અસીમ કૃપા અને સંત શિરોમણી જલારામ બાપાના આશીર્વાદ સાથે ચૈત્ર સુદ-૧૦, શનિવાર તા. ૨૮-૦૩-૨૦૨૬ના રોજ 'લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન' (જ્ઞાત) સહિતના વિવિધ સેવાકીય કાર્યો યોજાશે.

કાર્યક્રમની રૂપરેખા અને વિગતો:
મહોત્સવના પ્રારંભે તા. ૨૭-૦૩-૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૭-૩૦ કલાકે લિમડાલાઈન સ્થિત પાંજરાપોળ ખાતે ગૌ માતાને ઘાસ તથા લાડુ વિતરણનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ મુખ્ય કાર્યક્રમ તા. ૨૮-૦૩-૨૦૨૬, શનિવારના રોજ જલારામ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, હાપા માર્કેટિંગ યાર્ડ રોડ, ન્યારા પેટ્રોલ પંપ સામે આવેલી 'અયોધ્યાનગરી' ખાતે યોજાશે. આ દિવસે સાંજે ૫-૦૦ કલાકે સ્વયંસેવક ભાઈઓ-બહેનોને સેવા કાર્યની ફાળવણી કરવામાં આવશે. સાંજે ૬-૩૦ કલાકે શાશ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહ ભોજન અને ત્યારબાદ સાંજે ૭-૦૦ થી ૯-૩૦ કલાક દરમિયાન લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

સમિતિના સભ્યો અને આયોજકો:
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સ્થાપક સભ્ય શ્રી જિતેન્દ્ર એચ. લાલ (જિતુભાઈ લાલ) ના માર્ગદર્શન હેઠળ સમિતિના સભ્યો રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનીલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી અને મનિષભાઈ તન્ના જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સાથે જ નિમંત્રક તરીકે માધવ સુખપરીયા, અપૂર્વ કારીયા, સુજલ ખાખરીયા, આયુષ પોપટ, દેવ જોબનપુત્રા, જય રાયાણી, આદિત્ય મજીઠીયા, કબીર વિઠલાણી, સત્યમ તન્ના, પાર્થ નથવાણી, શ્યામ કુંડલીયા, કર્તવ્ય સુચક અને અંકિત મહેતા સેવા આપી રહ્યા છે.

વિશેષ નોંધ અને વ્યવસ્થા:
જે અશક્ત, બીમાર કે વયોવૃદ્ધ વડીલો મહાપ્રસાદ લેવા આવી શકે તેમ ન હોય, તેમના માટે સમિતિ દ્વારા ટિફિન સેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવા માટે વહેલા તે પહેલાના ધોરણે ૨૦ થી ૨૫ માર્ચ સુધીમાં સાંજે ૫-૦૦ થી ૭-૦૦ વાગ્યા દરમિયાન મોદી લોહાણા મહાજન વાડી ખાતે નામ નોંધણી કરાવીને પાસ મેળવી લેવાના રહેશે. ટિફિનનું વિતરણ જ્ઞાતિ ભોજનના સ્થળ પરથી જ કરવામાં આવશે તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

(1:38 PM IST)